અડાજણમાં ફાઇનાન્સરે મહિલાનાં ૨૪ તોલા સોનાનાં દાગીના પચાવી પાડ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026  |   3366

સુરતના અડાજણ વિસ્તારમાં ફાઇનાન્સ પેઢીમાં ગીરવે મૂકેલા સોનાના દાગીના પરત મેળવવા માટે મહિલાએ વર્ષો સુધી રાહ જાેયા બાદ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધા પછી પણ કૃણાલ ફાઇનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના સંચાલકે ૨૪ તોલા સોનાના દાગીના પરત આપ્યા નહોતા. એટલું જ નહીં, મહિલાના દાગીના અન્ય ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને લોન લીધી હતી. આ લોનની ભરપાઈ નહીં થતાં મુથુટ ફાઇનાન્સ દ્વારા દાગીનાની હરાજી કરી દેવામાં આવી હોવાનું સામે આવતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અડાજણ પોલીસનાં જણાવ્યા મુજબ, હનીપાર્ક રોડ પર આવેલી સી.કે. પાર્ક સોસાયટીમાં રહેતાં ૫૭ વર્ષીય દર્શના દેવભદ્ર વાડીલાલ શાહે વર્ષ ૨૦૧૧માં અડાજણમાં ભુલકાભવન સ્કૂલ પાસે આવેલા શીલા સમર્થ પાર્કની કૃણાલ ફાઇનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પેઢીમાં ૨૪ તોલા સોનાના દાગીના ગીરવે મૂકીને વ્યાજે નાણાં લીધાં હતાં. દર્શનાબેને લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં પેઢીનાં સંચાલક ગિરીશચંદ્ર જેઠાલાલ પટેલે દાગીના પરત આપ્યા નહોતા. દાગીના પરત માગવામાં આવતાં તેઓ અલગ-અલગ બહાનાં કાઢતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. દરમિયાન વર્ષ ૨૦૨૬માં દર્શનાને જાણ થઈ હતી કે ગિરીશચંદ્ર પટેલે તેમના દાગીના મુથુટ ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને લોન મેળવી હતી. આ લોનની રકમની ભરપાઈ કરવામાં નહીં આવતાં મુથુટ ફાઇનાન્સ કંપનીએ દાગીનાની હરાજી કરી દીધી હતી. પરિણામે વ્યાજ સહિત નાણાં ચૂકવ્યા હોવા છતાં મહિલાને પોતાના દાગીના પરત મળ્યાં ન્હોતા. આ મામલે દર્શના શાહે ઉધનાનાં સત્યનગર-૪માં રહેતા ગિરીશચંદ્ર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution