લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ઓગ્સ્ટ 2026 |
2475
નેપાળની તિબેટ સાથે જાેડાયેલી સરહદ પર રસૂવામાં અચાનક આવેલા ભયાનક પુરને કારણે ભારે ખાનાખરાબી થઈ હોવાના સમાચાર છે. આ પૂરમાં કેટલાય ગામો તણાઈ ગયા. પૂરનું પાણી પોતાની સાથે વીજ પ્રોજેક્ટ્સ અને પુલોને પણ વહાવી ગયું. આ પૂર તિબેટથી નેપાળ તરફ વહેતી ભોટેકોશી નદીમાં આવ્યું. નેપાળના પ્રવાસન બોર્ડે ૧૪૨ ભારતીય સહિત ૨૯૧ વિદેશી નાગરિકોના પૂર બાદ ગુમ થયાની માહિતી આપી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ૯૩ નેપાળી નાગરિકો પણ ગુમ છે. રસૂવામાં ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હજુ પણ કેટલીય જગ્યાએ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ૫ જિલ્લાઓમાં પૂરથી ભયાનક તબાહી મચી છે. નેપાળ પ્રવાસન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ ઘટના બુધવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે અચાનક બની હતી. બોર્ડે જણાવ્યું છે કે બોર્ડ, ટુરિસ્ટ પોલીસ અને અન્ય લોકો સાથે મળીને લાપતા પ્રવાસીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૨૯૧ વિદેશી અને ૯૩ નેપાળી નાગરિકો અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયા હોવાનું કહેવાય છે. આ આંકડાઓની ટૂર એજન્સીઓ, ગાઈડો, સુરક્ષા અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અચાનક આવેલા પૂર બાદ સ્માર્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલની સેવાઓ લેનારા ૫૯ ભારતીય પ્રવાસીઓ, કાઠમંડુ હોલિડે ટૂર એન્ડ ટ્રાવેલની સેવાઓ લેનારા એક ઓસ્ટ્રેલિયન અને નેધરલેન્ડના એક પ્રવાસી, લીફ હોલિડેની સેવાઓ લેનારા ૪૬ ભારતીય પ્રવાસીઓ, કૈલાશ જર્નીની સેવા લેનારા ૨૬ લોકો (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), ટ્રેકર્સ સોસાયટીની સેવા લેનારા ૭૭ પ્રવાસીઓ (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), રિચા ટુર્સ એન્ડ ટ્રાવેલની સેવા લેનારા આઠ લોકો (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), ફિશટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની સેવાઓ લેનારા ત્રણ અમેરિકન અને ૧૭ મલેશિયાઈ પ્રવાસીઓ, હિમાલયન ગ્લેશિયરની સેવાઓ લેનારા ૩૭ અપ્રવાસી ભારતીયો ( અને અલ્પાઇન ઇકો ટ્રેકની સેવાઓ લેનારા યુકેના ૧૨ અને દક્ષિણ આફ્રિકાના ચાર પ્રવાસીઓ ગુમ છે.