ખાડીપૂર સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષની નોંધ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કચરા ટોપલીમાં નાંખી દીધી હતી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   1980

શહેરીજનોને ખાસકરીને વેપારીઓને આર્થિકરીતે બરબાદ કરનાર ખાડીપૂર માટે મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશો જ જવાબદાર છે. દર વર્ષે ચોમાસામાં ખાડીપૂરનાં પાણી રહેણાંક વિસ્તારો તેમજ કોમશિર્યલ કોમ્પ્લેક્સીસમાં ફરી વળતાં હોવા છતાં નક્કર પગલાં લેવાની કામગીરી કરવામાં આવતી નથી. ગત વર્ષે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે મીઠીખાડીને ડાયવર્ટ કરવાની શક્યતા ચકાસવા ડીપીઆર બનાવવા સહિતનાં જરૂરી પગલાં લેવા લેખિત નોંધ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને મોકલી હતી પરંતુ તેમણે રાજન પટેલની નોંધ કચરા ટોપલીમાં ફેંકી દીધી હોય કે કેમ પરંતુ તે મુદ્દે કોઇ જ કાર્યવાહી કરી ન હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષે જે સુચન કર્યું હતું તે મુદ્દો જ મુખ્યમંત્રીની મીટિંગમાં ચર્ચાયો અને ખાડીને શહેર બહાર આઉટર રિંગરોડને પેરેલલ વહેણ બનાવી તાપી નદીમાં ભેળવી દેવાની યોજના બાબતે ડીપીઆર બનાવવા સુચના આપવામાં આવી છે.

 સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલની લેખિત નોંધ અંગે શાલિની અગ્રવાલે ગંભીરતા દાખવી હોત તો એક વર્ષ પહેલાં ખાડીને ડાયવર્ટ કરવા અંગે ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ બની ગયો હોત અને તેની ફિઝિબિલિટી ચકાસીને અમલીકરણની દિશામાં કામગીરી પણ શરૂ થઇ ચૂકી હોત પરંતુ એક વર્ષ પછી પણ ખાડી ડાયવર્ટ કરવા બાબતે ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવાની જ વાતો થઇ છે.

ખાડીપૂરમાં બરબાદ થયેલાં શહેરીજનોએ ભારે હોબાળો મચાવતાં ખુદ મુખ્યમંત્રીએ સુરત આવીને નક્કર પગલાં લેવાનો આદેશ આપવાની ફરજ પડી હતી. મહાનગર પાલિકા, કલેક્ટરાલય, સિંચાઇ વિભાગ સહિતનાં સરકારી વિભાગોનાં અધિકારીઓ સંકલન સાધીને ત્વરિત કાર્યવાહી કરે તેવી ખાસ સુચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. આશ્ચર્યની બાબત તો એ છે કે, ગત વર્ષે પણ જુન મહિનામાં જ શહેરમાં ખાડીપૂરનાં પાણી ફરી વળ્યાં હતાં જેથી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે તા.૨૭-૦૬-૨૦૨૫નાં રોજ તત્કાલિન મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલને નોંધ મોકલીને જણાવ્યું હતું કે, ખાડીપૂરની પરિસ્થિતિનાં લાંબાગાળાનાં ઉકેલનાં એક વિકલ્પ સ્વરૂપે મીઠીખાડીને શહેરની હદમાં કે શહેર બહારથી તાપી નદી કે અન્ય જળસ્ત્રોતમાં ડાયવર્ટ કરવા અંગેની શક્યતાનાં ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા સહિતનાં જરૂરી તમામ પગલાં તાકીદે લેવા તેમજ શહેરનાં પૂર સંરક્ષણ માટે અન્ય ખાડીઓનાં સર્વેક્ષણો-ડાયવર્ઝનની શક્યતા સહિતની જરૂરી કાર્યવાહી પણ તાકીદે કરવી. રાજન પટેલે તાકીદે કાર્યવાહી કરવા સૂચના આપી હતી પરંતુ શાલિની અગ્રવાલ તાકીદ શબ્દનો અર્થ કળી શક્યાં ના હોય કે કેમ પરંતુ આ મીઠીખાડી કે અન્ય કોઇ ખાડીને ડાયવર્ટ કરવાની શક્યતા ચકાસતો એક પણ ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવા સંદર્ભે કોઇ જ નક્કર કાર્યવાહી કરી નહીં અને પ્રવર્તમાન વર્ષે શહેરીજનો ફરી ખાડીપૂરમાં બરબાદ થયાં હતાં.

મુખ્યમંત્રીએ હાઇલેવલ કમિટી અને મીટિંગની વાત કરી પરંતુ ખરેખર તો સ્થાયી સમિતિ અધ્યક્ષની સુચનાનો ગંભીરતાથી અમલ નહીં કરનાર પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલનો જ ખુલાસો પુછવો જોઇએ કારણ કે તેમની નિષ્ક્રિયતા, બેદરકારી અને શાસકોનાં સૂચનની અવગણના કરવાની નીતિને કારણે જ ખાડીપૂર આવ્યું અને સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવું પડ્યું તથા મહાનગર પાલિકાએ પણ ૧૪૭ કરોડનો મિલકત વેરો માફ કરવો પડ્યો છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution