/
પતિ અને પત્ની બેમાંથી ગમે તેને ટિકિટ મળે ચાલશે, તેવી ગણતરીએ પણ ફોર્મ ભરાયાં

આણંદ : આણંદમાં ચૂંટણીનો રંગ ઘરાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવામાં આવી હતી. વડોદરાના સાસંદ રંજનબેન ભટ્ટ, રમણભાઈ સોલંકી, કમલેશભાઈ શાહપુરના ઈન્ચાર્જ સ્થાને સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી. ભાજપના વિવિધ વોર્ડના પૂર્વ કાઉન્સિલરો અને ચૂંટણી લડવા ઈચ્છુક અગ્રણી આગેવાનોએ પણ મોટી સંખ્યામાં ફોર્મ નોંધણી કરી હતી. ભાજપ પ્રદેશ નિરીક્ષકોએ ગુરુવારે રાત્રીના ૧ઃ૩૦ વાગ્યા સુધી આણંદ પાલિકાના ઉમેદવારોને સાંભળ્યાં હતાં. જાેકે, હવે આ યાદીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલતાં પહેલાં જિલ્લા હોદ્દેદારોની સાથે મળી ફાઇનલ કરવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. આણંદમાં ભાજપના મેન્ડેટને જીતનું સિમ્બોલ ગણવા આવી રહ્યું છે. ભાજપના પ્રદેશ નિરીક્ષકો સમક્ષ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનોએ પાલિકામાં ઉમેદવારી કરવા તૈયારીઓ દેખાડી છે. નિરીક્ષકો સમક્ષ પોતાની ખૂબીઓ અને પાર્ટીના જ હરિફ સાથીની ખામીઓના પટારા ખોલીને એકબીજાની પોલખોલ કરવામાં આવી છે. પાર્ટીના નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કેટલાંક વોર્ડમાં કાર્યકર્તાઓએ બિનજરૂરી નામો નોંધાવી પાર્ટીના નિરીક્ષકોનેે મૂંઝવવાનો ખેલ કર્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે. કેટલાંક કિસ્સાઓમાં પતિ અને પત્ની, બેમાંથી ગમે તેને ટિકિટ મળે તેવી ગણતરીએ પણ ફોર્મ ભરાયાં છે! કેટલાંક વોર્ડમાં તો એવાં કિસ્સા સામે આવ્યાં છે, જેમાં કાર્યકર્તાઓએ જ્યાં તેઓ રહેતાં ન હોય તેવાં બીજા વોર્ડમાં ચૂંટણી લડવા તૈયારી બતાવી છે. આ ઉપરાંત અમૂક કાર્યકરોએ એક જૂથ થઈ ચૂંટણી લડવા તમામ વોર્ડમાં પોતાના જૂથના નામો નોંધાવી પાર્ટી નેતૃત્વને ગેરમાર્ગે દોરવા સુયોજિત ષડયંત્ર આચારાયું હોવાની વિગતો પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાની એરણે છે.

૧૩ વોર્ડમાં ૧૭૩ કાર્યકરોએ તૈયારી દેખાડી

કુલ ૧૭૩ કર્યકરોએ ચૂંટણી જંગમાં જંપલાવવાની તૈયારી બતાવી છે. જિલ્લા ભાજપ દ્વારા નોંધાયેલાં ફોર્મમાંથી પાર્ટી ગાઇડલાઈઇન મુજબ આખરી યાદી બનાવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે.

નવાં ચહેરાઓને તક મળશે કે પછી?

ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. આણંદ પાલિકામાં છેલ્લાં ૧૦ વર્ષમાં ભાજપનું શાસન ભ્રષ્ટાચારના આરોપોથી રંગાયેલું જાેવા મળી રહ્યું છે. ભાજપ નવાં ચહેરાઓને તક આપશે કે પછી એ જ જૂનાં કાઉન્સિલરોને રિપીટ કરેશે? તેવી ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. હાલ તો ભાજપના કાર્યકરોએ ભાજપના નિરીક્ષકોના ઉજાગરા વધારી દીધાં છે.

આણંદના ૧૩ વોર્ડમાં કેટલાં ઉમેદવારોની દાવેદારી?

વોર્ડ-૧ ૧૫

વોર્ડ-૨ ૧૮

વોડ-૩ ૦૭

વોર્ડ-૪ ૦૯

વોર્ડ-૫ ૦૫

વોર્ડ-૬ ૨૦

વોર્ડ-૭ ૧૯

વોર્ડ-૮ ૦૬

વોર્ડ-૯ ૧૪

વોર્ડ-૧૦ ૧૫

વોર્ડ-૧૧ ૧૨

વોર્ડ-૧૨ ૧૬

વોર્ડ-૧૩ ૧૭

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution