લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026 |
2277
અમદાવાદ શહેરમાં મારામારી, ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલ મિરઝાપુર પાસેના પ્રીમિયર શોપિંગ સેન્ટરમાં કાપડના વેપારી પર જીવલેણ હુમલો કરી ચાર અજાણ્યા લૂંટારૂઓ રૂ. ૧૫ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કાપડનો વેપાર કરતા મોહમ્મદ સાજીદ શેખ રાત્રિના સમયે વીસીના રૂ. ૧૫ લાખ રોકડા લઈને પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યા હતા. આરોપીઓ ભોગ બનનારની તમામ હિલચાલથી માહિતગાર હતા અને વેપારી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા તે જ સમયે કોમ્પલેક્ષના પાર્કિંગમાં લૂંટની ઘાત લગાવીને તેમની રાહ જાેઈને ઊભા હતા.
ચાર લૂંટારૂઓએ વેપારીને આંતરીને બંધક બનાવ્યા હતા અને ભોંયરામાં લઈ ગયા હતા. ત્યાં તેમણે તીક્ષ્ણ હથિયાર વડે વેપારી પર જીવલેણ હુમલો કરી પેટ અને હાથના ભાગે છરીના ગંભીર ઘા ઝીંકી દીધા હતા. વેપારી ગંભીર રીતે ઘવાતાં આરોપીઓ તેમની પાસે રહેલા વીસીના ૧૫ લાખ રૂપિયા રોકડા લૂંટીને નાસી છૂટ્યા હતા.બીજી તરફ, મોડી રાત સુધી સાજીદ શેખ ઘરે ન પહોંચતા પરિજનો ચિંતિત બન્યા હતા અને પ્રીમિયર શોપિંગ સેન્ટર ખાતે તેમની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વેપારી સાજીદ શેખ ભોંયરામાંથી લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત મળી આવ્યા હતા. પરિવારે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.