લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026 |
1782
અમદાવાદમાં ઔડા વિસ્તારના સિનિયર સિટીઝન્સ માટે સારા સમાચાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાથી એએમટીએસ બસોમાં તેમને મફત મુસાફરી કરવા માટે ફ્રી બસ પાસ અપાશે. આ માટે રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે. ઉપરાંત, શેલાથી ઈસ્કોન અને થલતેજ સુધીના નવા એએમટીએસ રૂટ પણ શરૂ કરાયા છે, જેથી નાગરિકોને વધુ સારી કનેક્ટિવિટી મળશે. આ ર્નિણયથી સિનિયર સિટીઝન્સને ઘણી રાહત થશે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન્સ) માટે એક મહત્ત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઔડા વિસ્તારના સિનિયર સિટીઝન્સને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ની બસોમાં મફત મુસાફરી કરવા માટે ફ્રી બસ પાસ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઔડા વિસ્તારમાં વહેલી તકે જાહેર પરિવહન સેવાઓ વધુ મજબૂત બને અને નાગરિકોને સુવિધાસભર કનેક્ટિવિટી મળે તે હેતુથી નવા બસ રૂટો પણ કાયાર્ન્વિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શેલા વિસ્તારથી લઈને ઈસ્કોન અને થલતેજ સુધીના નવા એએમટીએસ બસ રૂટ શરૂ કરાયા છે.
આ નવા રૂટ શરૂ થવાથી શેલા અને આસપાસના વિકસતા વિસ્તારોના રહીશોને એસ.જી. હાઈવે તથા શહેરના મુખ્ય કેન્દ્રો સુધી પહોંચવામાં મોટી સગવડ મળશે. આ ફ્રી બસ પાસ યોજનાનો લાભ મેળવવા માટે ઔડા વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકોએ પોતે આ વિસ્તારના સ્થાનિક રહીશ છે તે દર્શાવતો માન્ય રહેઠાણનો પુરાવો (જેમ કે આધાર કાર્ડ, લાઈટ બિલ કે વેરા બિલ) રજૂ કરવાનો રહેશે. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પાસ ઈશ્યૂ કરવામાં આવશે, જેના આધારે વરિષ્ઠ નાગરિકો શહેર અને ઔડા વિસ્તારમાં એએમટીએસ બસ મારફતે વિનામૂલ્યે સુગમ મુસાફરી કરી શકશે.