લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, નવેમ્બર 2026 |
1287
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એનવીડિયાના શેરમાં આવેલા જાેરદાર ઉછાળાથી મોટો નાણાકીય ફાયદો થયો હોવાનો અહેવાલ છે. એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગની કંપનીમાં અચાનક વાપસી બાદ શેરના ભાવમાં ૩૧.૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. આ તેજીને કારણે ટ્રમ્પના એનવીડિયા શેરહોલ્ડિંગની કિંમતમાં અંદાજે ૧૫ મિલિયન ડૉલર એટલે કે લગભગ ૧૩૯.૫ કરોડ રૂપિયાનો વધારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેન્સેન હુઆંગે ૧૯૯૩માં એનવીડિયાની સ્થાપના કરી હતી. જાેકે, ત્રણ મહિલાઓ સાથે સંબંધ હોવાના આક્ષેપો, જેમાં એક મહિલા ચીની જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, તે સહિતના વિવાદો બાદ કંપનીના બોર્ડે તેમને પદ પરથી હટાવ્યા હતા. જાેકે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ બોર્ડે હુઆંગને ફરી સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા. ટ્રમ્પે એક વાતચીતમાં કહ્યું હતું કે તેમણે એનવીડિયાના બોર્ડ સાથે વાત કરી હતી અને હુઆંગની વાપસી માટે સમજાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું, ‘મેં તેમની સાથે વાત કરી હતી. મેં તેમને સમજાવ્યા અને આ ડીલ કરી.’
એનવીડિયાના શેરમાં સોમવારે ૩૧.૫ ટકાનો જાેરદાર ઉછાળો આવ્યો હતો. આ તેજીને કારણે કંપનીના માર્કેટ વેલ્યુમાં લગભગ ૯૫૦ અબજ ડૉલરનો વધારો થયો હતો. હુઆંગ કંપનીના સાન્ટા ક્લારા હેડક્વાર્ટર પર પરત ફર્યા ત્યારે કર્મચારીઓએ તેમનું જાેરદાર સ્વાગત કર્યું હતું અને ‘જેન્સેન, જેન્સેન’ના નારા લગાવ્યા હતા. ટ્રમ્પના નાણાકીય ખુલાસા અનુસાર, ૩૦ સપ્ટેમ્બર સુધી તેમની પાસે એનવીડિયાના ૩.૭૦ લાખ જેટલા શેર હોઈ શકે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ટ્રમ્પે એનવીડિયાના ૨.૩ કરોડથી ૮.૬ કરોડ ડૉલર વચ્ચેના શેર ખરીદ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પ્રમુખપદ સંભાળ્યા બાદ તેમણે કેટલાક શેર વેચીને ૩૫ લાખથી ૧.૦૨ કરોડ ડૉલર વચ્ચેનો નફો પણ મેળવ્યો હોવાનું જણાવાયું છે. અમેરિકાના ડેમોક્રેટિક સેનેટર રૂબેન ગેલેગોએ હુઆંગની વાપસીની જાહેરાત પહેલાં શેરના વ્યવહારોની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે આ ઘટનાને લઈને વ્હાઇટ હાઉસ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા.