સરકારી યુરિયાનું કાળાબજારી કૌભાંડ નારોલમાં ટેક્સટાઇલ મિલમાંથી ૧૧૮ બોરી યુરિયા જપ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026  |   2178

શહેરના નારોલ વિસ્તારમાં આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલ પ્રા.લી. કંપનીમાં ખેડૂતો માટે સરકારી સબસિડી દરે અપાતા નીમ કોટેડ યુરિયા ખાતરનો ગેરકાયદેસર ઔદ્યોગિક વપરાશ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાયબ ખેતી નિયામક કચેરીના ખેતી અધિકારી ભાવિનકુમાર રમેશભાઈ રુપાપરાને મળેલી ખાનગી બાતમીના આધારે નારોલ પોલીસ અને ખેતીવાડી તંત્રની સંયુક્ત ટીમે પીપળજ-પીરાણા રોડ પર નુર મસ્જિદની ગલીમાં આવેલી મિલના કમ્પાઉન્ડમાં સરપ્રાઇઝ દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.પોલીસ અને અધિકારીઓની ટીમે મિલના ગોડાઉનમાં તપાસ કરતા બિનઅધિકૃત રીતે સંગ્રહાયેલ સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી જીએનએફસી ની ૫૪ બોરી, ઇફકોની ૪૭ બોરી, જીએસએફસી ની ૧૨ બોરી અને ક્રિભકો ની ૫ બોરી મળી કુલ ૧૧૮ ભરેલી બોરીઓ તથા ૧૬ ખાલી થેલીઓ સીઝ કરવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹૩૧,૪૬૩ જેટલી થવા જાય છે.તપાસ દરમિયાન સ્થળ પર હાજર મિલના મેનેજર જુબેર મહેબુબભાઈ પાલીવાળા (રહે. સાળવીની પોળ, જમાલપુર, અમદાવાદ) અને મિલના માલિક આલીક ઐયુબભાઈ ઇકબાલભાઈ સુરીતી (રહે. ક્લાસિક પાર્ક, જુહાપુરા) યુરિયાના આ જથ્થા અંગે કોઈ પણ જાતનો આધાર કે લાયસન્સ રજૂ કરી શક્યા નહોતા. સરકાર દ્વારા આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટ ચકાસી ખેડૂતોને ખેતી કામ માટે જ આપવામાં આવતા સબસિડીવાળા ખાતરનો પોતાના કાળાબજારીના આર્થિક ફાયદા માટે ટેક્સટાઇલ મિલમાં ઉપયોગ કરી સમાજ હિત વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. પાસ ટીમે જપ્ત કરેલા યુરિયામાંથી ચાર સેમ્પલ લઈ પૃથક્કરણ અર્થે ગાંધીનગર સ્થિત ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપ્યા હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution