એચ-૧બી વિઝા અંગે ૧ લાખ ડૉલરની ફીના આદેશને વધુ ૧ વર્ષ માટે લંબાવ્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026  |   3564

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને  H-1B વિઝા પર ૧ લાખ ડૉલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, જેની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે. અમેરિકામાં  H-1B  વિઝાના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે  H-1B  વિઝા પર ૧,૦૦,૦૦૦ ડૉલરની ફી લગાવતા જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. આ સાથે જ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની વાત કહેવામાં આવી છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રાખવામાં આવશે જેના પર ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને રાખીને સ્થાનિક અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લેવાનો આરોપ છે.  H-1B  એ અમેરિકાનો એક એવો વિઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી પીએચડી કે વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને નોકરી માટે બોલાવી શકે છે. ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ આ જ વ્યવસ્થા હેઠળ અમેરિકામાં કામ કરે છે. ટ્રમ્પ પ્રશાસને ૨૦૨૫માં  H-1B  વિઝા માટે ૧,૦૦,૦૦૦ ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યાે હતો. અગાઉ આ ફી સામાન્ય રીતે ૨૦૦૦થી ૫૦૦૦ ડૉલરની વચ્ચે રહેતી હતી, તેથી ૧ લાખ ડૉલરની આકમ ખૂબ જ મોટી વૃદ્ધિ દર્શાવે છે. આ આદેશ સપ્ટેમ્બર ૨૦૨૬માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે. જાે કે, આ ફીને લઈને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે અને અગાઉ અમેરિકાની એક અદાલતે તેને ગેરકાયદે ગણાવતા સરકારને ફી વસૂલવાથી રોકી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution