નિકોલમાં વ્યાજખોર મિત્રનો ત્રાસ : ર૫ લાખ સામે ૧૬ લાખ વ્યાજ વસૂલીને વધુ ૬૨ લાખની ઉઘરાણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026  |   1683

શહેરના નિકોલ વિસ્તારમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને ધમકી આપવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઈન ઓર્ડર મુજબ બેડશીટ અને કાપડનો વેપાર કરતા તથા બાપુનગરની દીપક ભાવના કોલોનીમાં રહેતા ૩૬ વર્ષીય ગોપાલભાઈ અરજણભાઈ પટેલે પોતાના જ બાળપણના મિત્ર ચિરાગ કનુભાઈ ગોટી (રહે. કર્ણાવતી બંગલોઝ, નિકોલ) વિરુદ્ધ નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ધંધાકીય કામકાજ અર્થે ફરિયાદીને નાણાંની જરૂરિયાત ઊભી થતાં જૂન ૨૦૨૬માં તેમણે પોતાના મિત્ર ચિરાગ ગોટીનો સંપર્ક કર્યો હતો. ચિરાગે રૂ. ૨,૫૦,૦૦૦ની રકમ આપવા સામે માસિક ૨૦ ટકા જેટલું તોતિંગ વ્યાજ વસૂલવાનું નક્કી કર્યું હતું. વેપારીએ પોતાની આર્થિક મજબૂરીને કારણે આ આકરા દરો સ્વીકારી લીધા હતા. ત્યારબાદ જૂન ૨૦૨૬થી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના ટૂંકા સમયગાળામાં ફરિયાદીએ અંદાજે રૂ. ૧૬,૦૦,૦૦૦ જેટલી મસમોટી રકમ માત્ર વ્યાજ પેટે ચૂકવી આપી હતી.આટલી મોટી રકમ વ્યાજ પેટે વસૂલ્યા બાદ પણ આરોપી ચિરાગે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિકોલ ખાતે પંચમ મોલ પાસે આવેલ માન સરોવર કોમ્પ્લેક્સ સ્થિત ફરિયાદીની પી.જી. ખાતે આવી રૂ. ૬૨,૦૦,૦૦૦ની બળજબરીથી માંગણી કરી હતી. ફરિયાદીએ પોતાની આર્થિક પરિસ્થિતિ દર્શાવી અસમર્થતા વ્યક્ત કરતા, આરોપીએ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી સગા-સંબંધીઓ આગળ માનહાનિ કરી મશ્કરી કરી હતી.આરોપી અને ફરિયાદી બાળપણના મિત્રો હોવાથી સમાધાન માટે વાતચીત ચાલતી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. અંતે સમાધાનનો કોઈ જ ઉકેલ ન આવતાં, ફરિયાદીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ આપી હતી. નિકોલ પોલીસે કાયદેસરના ધિરાણ વગર ઉંચા વ્યાજે નાણાં ધીરનાર ચિરાગ ગોટી સામે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ ૨૦૧૧ની કલમ ૩૩(૩), ૪૨(ડી), ૫ અને ૪૨(એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુરાવા રૂપે વોટ્સએપ પર મોકલેલી વોઈસ નોટ્સ તથા નોટપેડ એપ્લિકેશનમાં સાચવેલા હિસાબો પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution