આરોપીઓને જાહેરમાં ફટકારી વીડિયો વાયરલ કરનાર એસઓજીનાં ડીસીપી નકુમ સામે હાઇકોર્ટે કાર્યવાહી આરંભી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026  |   1782

સસ્તી પ્રસિદ્ધિની શોધમાં રહેતા એસઓજીનાં ડીસીપી રાજદીપસિંહ નકુમ ફરતે હવે કાયદાનો સકંજાે કસાઇ રહ્યો છે. પોલીસ મહાનિર્દેશકની સૂચના અને સુપ્રીમકોર્ટની ગાઇડલાઇનને ગજવે ઘાલી નકુમે આરોપીનાં વરઘોડા કાઢી જાહેરમાં ફટકાબાજી કરવા સાથે તેની વીડિયો ઉતારી વાયરલ પણ કર્યા હતાં. આ મામલે કાર્યવાહી માટે સીનિયર એડવોકેટ દ્વારા કરાયેલી અરજી હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી સુઓમોટો કાર્યવાહી શરૂ કરતાં નાસિરનગર ડીમોલિશન વિવાદમાં ફસાયેલાં નકુમ સાથે સુરત પોલીસનો પગ ફરી કાયદાના કુંડાળામાં ફસાયો છે.

માનદરવાજા રેલ રાહત કોલોનીમાં ગત ૧૩મી જુલાઇની રાત્રે અંગત અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો હતો. હુમલો કરનારા ચીયા ગેંગના સાગરિતો હતા. રાજ ઉર્ફે ગુડ્ડ પારઘેને ચાકુનો ઘા ઝીંકનાર ચીયા ગેંગનાં અય્યાજ ઉર્ફે બુરૂ મલેક, ઇમરાન ખાન, રાજીક ઉર્ફે કાલીયા શેખ, શાહરૂખ ઉર્ફે અમુ સત્તાર શા, વસીમ ઉર્ફે ટ્વેન્ટી, સજ્જુ, ક્રિષ્ના વિગેરને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. એ સમયે ત્યાંના ઇન્ચાર્જ ડીસીપી નકુમે એસઓજીના પચાસ કર્મચારીઓને માનદરવા બોલાવ્યા હતા. એસઓજીનો આ કાફલો ચીયા ગેંગના સાગરિતોને રેલ રહાત કોલોનીમાં લઇ ગયો અને પછી નકુમે સારા વીડિયો બને એવા એંગલ સેટ કરી આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. બાદમાં આ વીડિયો વાયરલ પણ કર્યા હતા. આ મામલે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને સુઓમોટો કાર્યવાહી માટે અરજી આપી હતી. દવેએ અરજીમાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું આ વર્તન કાયદાનાં શાસન અને બંધારણીય લોકશાહી પર એક કાળો ધબ્બો છે. નકુમ એન્ડ કંપનીનું કૃત્ય ભારતીય બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર) અને કલમ ૨૧ (જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નું ઘોર ઉલ્લંઘન છે. કોઈપણ પોલીસ અધિકારી, પછી ભલે તે ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર કેમ ન હોય, તેને અદાલતી ટ્રાયલ પહેલાં કોઈપણ આરોપીને સજા કરવાનો કે જાહેરમાં અપમાનિત કરવાનો કોઈ જ કાનૂની અધિકાર નથી. ગુનાની તપાસ કરવાની સત્તા ક્યારેય પણ જાહેરમાં ક્રૂર સજા આપવાના લાયસન્સમાં ફેરવાઈ શકે નહીં.

કાયદાનાં શાસનની રક્ષા માટે અને બંધારણે આપેલા માનવ ગૌરવને જાળવી રાખવા માટે કોઈપણ વ્યક્તિને, ભલે તેના પર ગમે તેવા ગંભીર આક્ષેપો હોય, કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના જાહેરમાં ફટકારી કે અપમાનિત કરી શકાય નહીં. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત પોલીસના તત્કાલીન ઇનચાર્જ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા બે મહિના અગાઉ જ એક સ્પષ્ટ પરિપત્ર (સર્ક્યુલર) બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશમાં સ્પષ્ટપણે કોઈ પણ આરોપી વ્યક્તિને જાહેરમાં પરેડ કરાવવા, તેમની પાસે અપમાનજનક કૃત્યો કરાવવા અથવા જાહેરમાં શારીરિક હુમલો કરવાની મનાઈ ફરમાવી હતી. આ જાણતા હોવા છતાં તેનું જાણી જાેઇને ઉલ્લંઘન કરી આ કૃત્ય કરાયું હોય કડક કાર્યવાહી કરવી જાેઈએ.

ચીફ જસ્ટિસ દ્વારા ઉત્કર્ષ દવેની અરજી ગ્રાહ્ય રાખી છે. હવે ચીફ જસ્ટિસ ઓફિસ દ્વારા નકુમ સામે સુઓમોટો કાર્યવાહીનો ડ્રાફ્ટ તૈયાર થશે. ત્યારબાદ કોર્ટનાં હુકમનો અનાદર કરવા સહિતનાં આરોપો અંગે કાર્યવાહી હાથ ધરાશે.

નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનનો વિવાદ ઠારતા કમિશનર ગહલૌતને પરસેવો વળ્યો હતો

એસઓજીએ છેલ્લા સાત મહિનામાં નિયત ચાર્ટર પ્રમાણેના સાત કામ પણ કર્યા નથી. પોતાની પ્રસિદ્ધિ માટે કરેલી જાહેરમાં મારઝૂડ સહિતના કરતૂતોની આડ અસર એવી થઇ કે નાયબ મુખ્યમંત્રીનું શહેર કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સાવ તળિયે પહોંચી ગયું હોવાની ચર્ચા થવા માંડી. સુરત લુખ્ખા ટપોરીઓનું શહેર છે એવી છબી દેશભરમાં ઉભી કરી દીધી હતી. આ બંનેનું નામ નાસિરનગર ડીમોલિશનમાં પણ વગોવાયું હતું. સ્પોન્સર્ડ ડીમોલિશનમાં આ બંનેની હાજરી જસ્ટિફાય કરવા માટે તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને રીતસર પરસેવો વળી ગયો હતો. નાસિરનગરમાં મકાનો તોડતી વેળા નેશનલ સીક્યુરિટીનો ઇશ્યુ ઉભો થાય એમ હતું એવું હાઇકોર્ટમાં કહેવું પડ્યું હતું. દેશ તો શું આખા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાેખમાય એવી એકેય ઘટનાનું કેન્દ્ર આ નાસિરનગર રહ્યું ન હોવા છતાં વિવાદ ઠારવા આવી વાતો કહેવી પડી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રીના ઘર આંગણેથી પોલીસ અધિકારીઓ જ તેમના વડા અને હાઇકોર્ટનાં આદેશનાં ધજાગરા ઉડાવી રહ્યાં હોય ત્યારે સામાન્ય નાગરિકો પાસે કાયદાનાં પાલનની અપેક્ષા કંઇ રીતે રાખી શકાય એવી ચર્ચાએ જાેર પકડ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution