લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
3168
ભારતમાં યોજાયેલા શિખર સંમેલન દરમિયાન મિડલ ઈસ્ટ અને ગલ્ફ ક્ષેત્રના તણાવને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. નવી દિલ્હીમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાને સ્પષ્ટ સલાહ આપતા કહ્યું કે, મિડલ ઈસ્ટને કોઈ રિજનલ પોલીસમેન ની જરૂર નથી. બીજી તરફ, ડબલિનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજાેની અવરજવર, ઈરાન અને તેલ પુરવઠા અંગે દાવો કર્યો છે કે, સ્થિતિ જલ્દી થાળે પડી જશે અને યુદ્ધ ખૂબ જલ્દી પૂરું થશે.
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને નવી દિલ્હીમાં જણાવ્યું કે, આ ક્ષેત્રની સુરક્ષા અને તેની સીમાઓનું રક્ષણ અહીંના સ્થાનિક દેશો અને મુખ્ય પક્ષકારો દ્વારા જ સુનિશ્ચિત થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારને અમેરિકા જેવા કોઈ બાહ્ય રિજનલ પોલીસમેન ની જરૂર નથી. પેઝેશ્કિયાને કહ્યું કે અમેરિકા અને તેના સહયોગીઓએ ઈરાની સરકારને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે, અને આ સ્થિતિએ ઈરાનના લોકોને વધુ એકજૂથ કરી દીધા છે. ઈરાન દ્વારા હોર્મુઝમાં કરાયેલી નાકાબંધીના કારણે કોમર્શિયલ જહાજાે અને તેલના સપ્લાય પર વિપરીત અસર પડી છે.
આયરલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ કૈથરીન કોનોલી સાથે મુલાકાત બાદ ડબલિનમાં પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અંગે કહ્યું કે બધું ઠીક થઈ જશે. તેમણે દાવો કર્યો કે, યુદ્ધ ખૂબ જલ્દી ખતમ થઈ જશે અને ત્યારબાદ તેલના ભાવ ઘટશે. સાઉદી અરેબિયાની એક પાઈપલાઈન પર થયેલા હુમલા અંગે ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી હતી કે, તેની પાછળ ઈરાનનો હાથ હોઈ શકે છે.સાઉદી અરેબિયાએ ઈરાક તરફથી થયેલા ડ્રોન હુમલા બાદ પોતાની એક મુખ્ય પાઈપલાઈન બંધ કરી દીધી છે.