ખેડૂત સંબંધિત કાળા કાયદા પાછા નહીં ખેંચાય તો કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી રસ્તા પર ઉતરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ડિસેમ્બર 2020  |   2277

ભરૂચ

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પ્લેકાર્ડ દ્વારા તાજેતરમાં પસાર થયેલ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો અને તે સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ખેડૂત વિરોધી ત્રણ કૃષિ સંબંધિત કાળા કાયદાઓ પાછા ખેંચો તેમજ બંધારણીય અધિકારથી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આંદોલન કરતાં ખેડૂતોને રક્ષણ આપવા બાબત રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં કોંગ્રેસે નવા કૃષિ કાયદાને કાળો કાયદો કહી જણાવ્યું હતું કે સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ધૃણાસ્પદ કાર્ય કર્યું છે. કૃષિ વિધેયકોની આડમાં મોદી સરકાર આ વિધેયકો દ્વારા ખેડૂતોને કોન્ટેક્ટ સિસ્ટમમાં ફસાવીને તેમને પોતાની જ જમીનમાં માત્ર ખેતમજૂર બનાવી દેવાનો ઈરાદો છે. જે ખેડૂતો પ્રત્યેની સંવેદનાવિહીન કાર્ય પદ્ધતિનું પ્રતિબિંબ છે. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની વિનંતિઓને ધરાર ફગાવી દઈને મોદી સરકારે દેશના ૬૨ કરોડ કિસાનો,ખેતમજૂરોની જિંદગીને તબાહ કરતા કાળા કાયદા પસાર કરાવી લેતા સમગ્ર દેશના કિસાનો, ખેતમજૂરો, મંડીના દુકાનદારો, મંડીના શ્રમિકો, કર્મચારીઓ, નાના ટ્રાન્સપોર્ટર્સ સહિત કરોડો લોકો રોષે ભરાયા છે.કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે આ લોકશાહીમાં આંદોલન કરવાનો તમામ નાગરિકોને હક છે, કેન્દ્ર સરકારની ખેડુત વિરોધી નિતી સામે અહિંસકરૂપે ગાંધી ચીંધ્યા માર્ગે ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે તેમને રોકવા માટે તેમની ઉપર જુલ્મ ગુજારવામાં આવી રહ્યો છે. શાંતિ પૂર્ણ રૂપે બંધારણીય હકથી સરકાર સામે પ્રદર્શન કરનાર ખેડૂતો ઉપર કેન્દ્ર સરકારનો આ એક પ્રકારનો અત્યાચાર અંગ્રેજાેના સાસનને શરમાવે તેવો છે.કોંગ્રેસે ઉપરોક્ત હકીકતોને લક્ષમાં લઈને રાષ્ટ્રપતિને આ બાબતમાં દરમિયાનગીરી કરવા અને કાળા કાયદામાં પરિણમેલા આ કૃષિ સંબંધિત વિધેયકોને તત્કાળ પાછા ખેંચીને રદ કરવામાં આવે તેમજ બંધારણીય અધિકારથી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આંદોલન કરતા ખેડૂતોના રક્ષણને સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. દિલ્હીની આજુબાજુની સરહદ ઉપર તેમજ દિલ્હીમાં હાલ જે ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે તેને ભરૂચ કોંગ્રેસે વ્યાજબી જણાવી હતી. ખેડૂતો પોતાની વ્યાજબી માંગણી માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકાર દિલ્હીનાં ખેડૂતો પર દમન ગુજારી રહી છે ત્યારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂત વિરોધી કૃષિ કાયદા કાયદાકીય રદ કરવાની માંગણી સાથે ખેડૂત લડતને પોતાનું સમર્થન

આપ્યું હતું.

તેમજ જે ખેડૂત પોતાનાં હિતોનાં રક્ષણ માટે લડત આપી રહ્યા છે. તેમણે સરકાર તરફથી હેરાનગતિ ન કરવામાં આવે અને રક્ષણ આપવામાં આવે તેવી માંગણી ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, નગરપાલિકા વિરોધપક્ષનાં સમસાદ અલી સૈયદ સહિતના કોંગ્રેસ કાર્યકરોએ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution