/
આઇપીએલ-14 આ તારીખે શરૂ થઇ શકે છે...

નવી દિલ્હી 

બીસીસીઆઈએ હજુ સુધી આઈપીએલની 14મી સિઝનની તારીખ જાહેર કરી નથી. જોકે, રિપોર્ટ્સ મુજબ ટી20 લીગ 10 એપ્રિલ પછી શરૂ થઈ શકે છે. કેમ કે, ઈંગ્લેન્ડની ટીમનો ભારત પ્રવાસ 28 માર્ચના રોજ સમાપ્ત થવાનો છે. ત્યાર પછી જ બીસીસીઆઈ આઈપીએલનું આયોજન કરશે.

બીસીસીઆઈએ ગુરુવારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ, પાંચ ટી20 અને 3 વન-ડેની તારીખો જાહેર કરી હતી. ઈંગ્લેન્ડનો બે મહિના લાંબો પ્રવાસ 5 ફેબ્રુઆરીની ચેન્નઈ ટેસ્ટથી શરૂ થશે. જે 28 માર્ચે પૂણેમાં વન-ડે સીરિઝ પછી સમાપ્ત થશે.

લાંબા હેક્ટિક શિડ્યુલ પછી ખેલાડી પોત-પોતાની ફ્રેન્ચાઈઝી સાથે જોડાતાં પહેલા બ્રેક લેશે. 10 દિવસના બ્રેક પછી ખેલાડી ફ્રેન્ચાઈઝી સાથે જોડાશે. એટલે કે,આઈપીએલ એપ્રિલના બીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. તેના પહેલા મેગા ઓક્શન યોજાય છે તો ખેલાડી પોતાના નવા સાથેદારો સાથે તાલમેલ બેસાડી લેશે.

સાથે જ જો બે નવી ટીમ પણ જોડાય છે તો આઈપીએલ થોડી મોડે શરૂ કરવામાં તેમનો પણ ફાયદો થશે. 24મી ડિસેમ્બરે યોજાનારી એજીએમમાં નવી ટીમ અંગે નિર્ણય લેવાઈ શકે છે.

કોવિડ-19ના કારણે આઈપીએલની 13મી સિઝન ભલે યુએઈ શિફ્ટ કરવી પડી હોય, પરંતુ બીસીસીઆઈ હવે 14મી સિઝનનું આયોજન દેશમાં જ કરાવવા પ્રતિબદ્ધ છે. અધ્યક્ષ સૌરવ ગાંગુલી પહેલા જ કહી ચૂક્યા છે કે, આઈપીએલ દેશમાં જ યોજાશે. 13મી સિઝનની જેમ 14મી સિઝન પણ માત્ર ત્રણ વેન્યુ પર જ યોજાશે. યુએઈમાં આઈપીએલ દુબઈ, અબુ ધાબી, શારજાહમાં યોજાઈ હતી. હવે 14મી સિઝન માટે મહારાષ્ટ્રમાં મુંબઈના જ બે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (વાનખેડે અને બ્રેબોર્ન) અને પૂણે અથવા નાગપુરમાંથી કોઈ એક ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પસંદ થઈ શકે છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution