23, મે 2022
1386 |
ગાંધીનગર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમ વખત કારકિર્દી માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરાયું છે. જેના અંતર્ગત રાજ્યની આઠ મહાપાલિકાઓમાં, ૨૫ જિલ્લાઓમાં અને ૨૪૯ તાલુકાઓમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારોનું આયોજન કરાયું હોવાનું રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મળી રહે તેવા આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો મહત્વનો ર્નિણય કરાયો છે. વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દીમાં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકે એ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. તા. ૨૬મી મેના રોજ આઠ મહાપાલિકાઓમાં મહાનગરપાલિકા કક્ષાના, તા. ૩૦ મી મેના રોજ ૨૫ જિલ્લા કક્ષાના અને તારીખ ૧લી જૂનથી ૬ઠ્ઠી જૂન દરમિયાન ૨૪૯ તાલુકાઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો સવારે ૧૦ થી ૧૨ દરમિયાન યોજાશે. કાર્યક્રમોના સ્થળની વિગતો જે તે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાશે.