05, સપ્ટેમ્બર 2025
જૂનાગઢ |
9900 |
હોસ્ટેલના વિદ્યાર્થીઓને માર મારતા મીડિયામાં વાયરલ]
પાંચ સગીર વિદ્યાર્થીઓ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ
જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. એક મહિના પહેલાં ધોરણ ૧૧ના ૧૭ વર્ષીય વિદ્યાર્થી પર થયેલા હુમલાનો વીડિયો વાઇરલ થયા બાદ, હવે સોશિયલ મીડિયા પર આ જ હોસ્ટેલના વિદ્યાર્થીઓને માર મારતા અન્ય વીડિયો વાઇરલ થયા છે. આ ઘટનાઓએ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા ઊભી કરી છે, જેના કારણે હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.આ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક મહિના પહેલાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ ૧૧ના એક વિદ્યાર્થીને તેના જ સહપાઠીઓએ ઢોર માર માર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ વીડિયોમાં વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર મારતા સ્પષ્ટ જોઈ શકાય છે. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢના DySP હિતેશ ધાંધલિયાના આદેશ બાદ, પાંચ સગીર વિદ્યાર્થીઓ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પહેલી ઘટના હજુ શાંત થઈ નથી, ત્યાં જ સોશિયલ મીડિયામાં વધુ કેટલાક વીડિયો વાઇરલ થતાં મામલો વધુ ગરમાયો છે. આ નવા વીડિયોમાં પણ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીને માર મારતા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ એક પછી એક ફડાકા અને ઢીંકાપાટુનો માર મારી રહ્યા છે.આ ઘટનાઓ બાદ સમાજમાં એવી ચર્ચા ઊભી થઈ છે કે શું આ હોસ્ટેલ શિક્ષણનું નહીં, પણ શારીરિક હિંસાનું કેન્દ્ર બની રહી છે? હોસ્ટેલ સંચાલકો વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે શું વ્યવસ્થા રાખે છે, તેવા ગંભીર પ્રશ્નો હાલ ઊઠી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર કરી શકે છે, જે એક મોટી ચિંતાનો વિષય છે.