લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026 |
1683
ફોરેક્ષ ટ્રેડિંગમાં ખૂબ નફો થશે એવી વાતોમાં કૌટુંબિક મામાને ફસાવી ભાણેજે બે મિત્રો સાથે મળી ૧.૧૯ કરોડનું ફ્રોડ કર્યું હતું. લાલગેટ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સૈયદપુરાની વાવ શેરીમાં રહેતા શૈલેષ કંચનલાલ રાણા જરીનો ધંધો કરે છે. શૈલેષ રાણાને હરિપુરા ધોબીશેરીમાં રહેતા તેમના ભાણેજ કૃણાલ અશોક રાણા સાથે નોકરી કરતાં તેના મિત્રો આદિત્ય નિલેશ ભાઈ ઠક્કર (રહે, પાલવ એપાર્ટમેન્ટ, ચોર્યાસી ડેરી, અંબાજી રોડ, સુરત) તથા પિનલ વિજયભાઈ બારૈયા (રહે, એ-૬૦૧, સુમનમુદ્રા આવાસ, હરિ ઓમ પાર્ટી પ્લોટની પાસે, ગૌરવ પથ, પાલ) સાથે ઓળખ પરિચય હતો.
સને-૨૦૨૨ મા કૃણાલ રાણા અને આદિત્ય ઠક્કર શૈલેષનાં ભાઈ કિશોર રાણા પાસે ગયા હતા. તેઓએ કહ્યું હતું કે, હાલ ફોરેક્ષ ટ્રેડિંગ ખૂબ ચાલી રહ્યું છે. તેમાં રોકાણ અને નફો બેન્ક એકાઉન્ટ થી મળતો હોય કોઇ જાેખમ રહેતું નથી. કિશોરે આ અંગે ભાઈ શૈલેષને વાત કરી હતી. ભાણેજ હોવાથી કૃણાલની વાતમાં ભરોસો મૂકી પહેલા તેઓએ નાની રકમનું રોકાણ કર્યું હતું. જેમાં કૃણાલ અને આદિત્ય ઠક્કરે એક વીકમાં સારૂ રિટર્ન અપાવ્યું હતું.
ત્યારબાદ એ બંનેએ મોટુ રોકાણ કરશો તો વધારે ફાયદો થશે એમ કહી શૈલષ રાણાને પ્રલોભન આપ્યું હતું, શૈલષ રાણાએ પોતે રોકાણ કરવા સાથે તેના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ પાસે મેળવીને ૧૪,૬૮,૦૦૦ રૂપિયા કુણાલ રાણા અને આદિત્ય ઠક્કરને આપ્યા હતાં. જાે કે એ વખતે નિયત સમયમાં પૈસા પરત ન મળતાં રાણાએ ઉઘરાણી કરી હતી. જેમાં એ બંનેએ મારું એકાઉન્ટ ફ્રીઝ થઇ ગયું છે. તમે પાંચ લાખ રૂપિયા આપશો તો અમારૂ કામ ચાલુ થઇ જશે અને તમારા પૈસા ઝડપથી આપી શકીશું.
ભાણેજ અને તેના મિત્રની વાત માની શૈલેષ રાણાએ જુલાઈ ૨૦૨૪માં પર્સનલ લોન લઇને પાંચ લાખ રૂપિયા આપ્યા હતાં. આ રકમ લીધા બાદ પણ તેઓએ એકાઉન્ટ અને ફ્રીઝ કરવા વધું રૈસાની જરૂર પડશે એમ કહેતાં શૈલેષ અને કિશોર રાણાએ દાગીના ગીરવે મૂકી, તથા ક્રેડિટ કાર્ટથી ઉપાડી એ બંનેને ૪.૫૦ લાખ રૂપિયા આપ્યા હતાં. આ રીતે એકાઉન્ટ અન ફ્રીઝ કરવાના નામે ૯.૫૦ લાખ આપવા છતાં શૈલેષભાઇને રોકાણ પરત કરાયું ન હતું. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૪માં કૃણાલ અને આદિત્ય ગાયબ થઇ ગયા હતાં. છ મહિના બાદ ફેબ્રૂઆરી ૨૦૨૫માં શિવરાત્રિએ કૃણાલ પરત આવ્યો હતો. ત્યારબાદ બાદ કૃણાલ પીનલ બારૈયાને લઇ મામા શૈલેષ પાસે ગયો હતો. કૃણાલે કહ્યું હતું કે, આ પિનલ બારૈયા એકાઉન્ટ અનફ્રીઝ કરાવવામાં એક્સપર્ટ છે. આ કામ માટે તેને ૨૦ લાખ રૂપિયા ફી આપવી પડશે. જાે તમે આમા મદદ કરશો તો તમારા બધા રૂપિયા એક સાથે ચુકવી દઇશ.
શૈલેષ રાણાએ પૈસાની સગવડ નથી એમ કહેતાં કૃણાલ અને પિનલ બારૈયાએ તેમને એક ઇ-મેલ બતાવ્યો અને કહ્યું કે, જાે તમે મદદ નહીં કરો તો એકાઉન્ટ સસ્પેન્ડ થઇ જશે અને તમારે આગળના બધા પૈસા ભૂલી જવા પડશે. આ રીતે પચ્ચીસેક લાખ રૂપિયા ફસાયા હોય તે ગુમાવાની બેસવાના ડરે શૈલેષ રાણાએ આમ-તેમથી સગવડ કરી ૧૨.૫૦ લાખ રૂપિયા તેમને આપ્યા હતાં. આ પૈસા લઇ ગયા બાદ કૃણાલ અને પીનલે શૈલેષ રાણાનો નંબર બ્લોક કરી તેઓ ગાયબ થઇ ગયા હતાં. આ રીતે શૈલેષ રાણાના ૨૪.૩૮ લાખ, કિશોર રાણાનાં ૨૯.૫૧ લાખ, તેમના મિત્ર પિનાકીન બિસ્કીટવાલા પાસે ૬૫ લાખ મળી કુલ ૧.૧૯ કરોડ રૂપિયા ફોરેક્ષ ટ્રેડિંગના નામે પડાવી ફરાર થઈ ગયેલા ભાણેજ કૃણાલ રાણા તથા તેના મિત્રો આદિત્ય ઠક્કર અને પિનલ બારૈયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.