અફઘાની નાગરિકને ભારતીય પાસપોર્ટ કઢાવવા જન્મનો ખોટો દાખલો બનાવી આપનાર ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2026  |   2178

અફઘાની નાગરિકને માત્ર ૫૦૦૦ રૂપિયામાં ફેક બર્થ જે સર્ટિફિકેટ બનાવી આપી ભારતીય પાસપોર્ટ કઢાવવા મદદ કરનારા જાલનાનાં અગાજાન સૈયદની એક વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્સ્પેક્ટર ગોસ્વામીની ટીમને નવેમ્બર, ૨૦૨૫માં બાતમી મળી હતી કે જહાંગીરપુરા મલ્બારપ્લસ બિલ્ડિંગમાં રહેતો આમીર જાવિદ ખાન મૂળ અફઘાનિસ્તાની છે. તે બોગસ ડોક્યુમેન્ટથી ભારતીય નાગરિક તરીકેની ઓળખ ઉભી કરી અહીં રહે છે. જેથી વોચ ગોઠવી ચોકબજાર હોપ પુલ પાસેથી મોહંમદ આમીર જાવીદ ખાનને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી મોબાઇલ તથા એક બેગ કબજે લેવામાં આવી હતી. આ બેગમાંથી ભારતીય પાસપોર્ટ, મહારાષ્ટ્રની જાલના નગરપાલિકા દ્વારા ઇશ્યૂ કરાયેલું ૦૪ જુન, ૧૯૮૩ જન્મ તારીખ દર્શાવતું બર્થ ડેટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાનકાર્ડ તથા યુ.એન. રિફ્યુજી એજન્સી ઇન્ડીયાએ ઇસ્યુ કરેલો યુએનએચઆર કાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ મળ્યા હતાં.

પ્રાથમિક પૂછપરછમાં આમીર જાવીદ ખાને તે મહારાષ્ટ્રનો વતની તથા જહાંગીરપુરામાં રહી કાપડનો વેપાર કરતો હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. જાે કે, અફઘાન નાગરિક હોવાની પાકી માહિતી હોવાથી તેની ઉલટ તપાસ કરાઇ હતી. કડક પૂછપરછ દરમિયાન જાવિદ ખાને તે અફઘાનિસ્તાનનાં કાબૂલનો વતની હોવાની કબૂલાત કરી હતી. તેણે જાલના રહેતા મિત્ર અગાજાન પાસે માત્ર ૫૦૦૦ રૂપિયા આપી તેનો જન્મ જાલનામાં થયો હોવાનું દર્શાવતું પાલિકાનું બર્થ ડે સર્ટિફિકેટ બનાવી લીધું હોવાની કબૂલાત કરી હતી. આ ફેક બર્થ ડે સર્ટિના આધારે આમીરે આધાર કાર્ડ, પાન કાર્ડ વિગેરે ઓળખના ડોક્યુમેન્ટ પણ બનાવી લીધાનું તપાસમાં બહાર આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આમીર જાવિદ ખાનની ધરપકડ કરી હતી, જ્યારે બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપનારા જાલનાનાં અગાજાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. જાલના ખાતે કરાયેલી તપાસમાં અગાજાન મળી આવ્યો ન હતો. પોલીસ શોધી રહી હોવાનું જાણી અંડર ગ્રાઉન્ડ થઈ ગયેલો સાજુદ્દીન ઉર્ફે અગાજાન શમસુદ્દીન સૈયદે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતાં. બાદમાં તે હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરી હોવાનું જાણવા મળે છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution