સુરત રેલવે સ્ટેશન પર ટીટીઇ બની મુસાફરોની ટિકિટ ચેક કરતો યુવક ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓક્ટોબર 2026  |   2079

સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને વધુ વ્યૂઝ મેળવવા માટે કેટલાક યુવાનો જાેખમી અને કાયદાનો ભંગ કરતી હરકતો કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર ટીટીઇ જેવા કપડાં પહેરી મુસાફરોની ટિકિટ ચેક કરતો વીડિયો બનાવવો એક યુવકને ભારે પડ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સુરત રેલવે પોલીસ (જીઆરપી) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ સંયુક્ત કાર્યવાહી કરી યુવકને ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ગત ૨૨ ઓક્ટોબરના રોજ ટ્વિટર પર સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૨નો એક શંકાસ્પદ વીડિયો વાયરલ થયો હોવાની ફરિયાદ મળી હતી. વીડિયોમાં એક યુવક રેલવેના ટિકિટ ચેકિંગ કર્મચારી (ટીટીઇ ) જેવા વસ્ત્રો પહેરી મુસાફરો પાસે ટિકિટ માગતો અને રોફ જમાવતો જાેવા મળ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યુટ્યુબ આઈડી પરથી મુસાફરોની ટિકિટ ચેક કરતો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ મામલે રેલવે પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસના આધારે પોલીસે સુરતના લિંબાયત-ઉધના વિસ્તારમાંથી વીડિયો બનાવનાર સમીઉલ્લાહ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી મહાપ્રભુ નગરનો રહેવાસી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, તેણે ૧૮ ઓક્ટોબરના રોજ સુરત રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરીને પ્લેટફોર્મ નંબર-૨ પર ટીટીઇ જેવા કપડાં પહેરી મુસાફરો પાસે ટિકિટ માગતો વીડિયો બનાવ્યો હતો. આરોપીના જણાવ્યા મુજબ, આ વીડિયો માત્ર મનોરંજન અને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ મૂકીને વ્યૂઝ મેળવવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. તેણે મુસાફરો પાસેથી કોઈ નાણાં પડાવ્યા ન હોવાનો પણ દાવો કર્યો હતો. રેલવે સ્ટેશન સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ સ્થળ હોવાથી સત્તાવાર કર્મચારી જેવો વેશ ધારણ કરીને મુસાફરોને ગેરમાર્ગે દોરવાની હરકતને ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે રેલવે કર્મચારી તરીકે દેખાવ કરીને મુસાફરોની ટિકિટ તપાસવા અને સ્ટેશન પરિસરમાં અનધિકૃત પ્રવેશ કરવાના આરોપસર આરપીએફ પોલીસ સ્ટેશન, સુરત ખાતે રેલવે પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution