લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
1584
સુરત મહાનગર પાલિકા દ્વારા મહિલાઓને આર્ત્મનિભર બનાવવા અને મહિલા મુસાફરોને સુરક્ષિત પરિવહન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલો પિંક ઓટો પ્રોજેક્ટ હવે જાણે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોટા ઉપાડે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને રિક્ષા ચલાવવાની તાલીમથી માંડી લાયસન્સ મેળવવા સુધીની સહાય આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના રસ્તાઓ પરથી પિંક ઓટો શોધવી મુશ્કેલ બની છે. જેના પગલે મનપાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સફળતા સામે જ સવાલો ઉઠી રહ્યા છે.
સુરત મનપાનાં યુસીડી વિભાગ દ્વારા શહેરી ગરીબ મહિલાઓને રોજગારી અને આજીવિકા પૂરી પાડવા માટે વર્ષ ૨૦૧૭માં પિંક ઓટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ૪૭ મહિલાઓને પિંક ઓટો માટે જરૂરી સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત સમયાંતરે ૧૩૫ મહિલાઓને ગ્રીન ઓટો માટે પણ સહાય પૂરી પાડવામાં આવી છે. યોજનાનો મુખ્ય હેતુ એક મહિલા બીજી મહિલાને સુરક્ષિત મુસાફરી પૂરી પાડે અને આર્થિક રીતે પછાત તથા ઓછું ભણેલી મહિલાઓને સ્વરોજગારની તક મળે તેવો હતો. મનપાએ વિવિધ તાલીમ કેન્દ્રો મારફતે મહિલાઓની પસંદગી કરી રિક્ષા ચલાવવાની તાલીમ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી મદદ કરી હતી. ઓછા વ્યાજે રિક્ષા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. શરૂઆતના તબક્કામાં શહેરના રસ્તાઓ પર પિંક અને ગ્રીન ઓટો જાેવા મળતી હતી. જાેકે હવે આ રિક્ષાઓ ક્યાં અને કેટલી સંખ્યામાં કાર્યરત છે તે જ સ્પષ્ટ નથી. મહિલા સશક્તિકરણના નામે સહાય આપ્યા બાદ પ્રોજેક્ટનું મોનિટરિંગ થયું કે નહીં? રિક્ષાઓ રસ્તા પરથી કેમ ગાયબ થઈ? જેવા સવાલો વચ્ચે મનપાએ આ યોજનાની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
પિંક બસની મહિલા ચાલકો પણ વતન જતી રહી
પાલિકા દ્વારા પહેલી વખત પીંક બસનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સરથાણા નેચર પાર્કથી ઓએનજીસી રૂટ પર મહિલાઓ માટે દોડતી બસ માટે મહિલા ચાલક શોધવા પાલિકા દ્વારા ૨૦ મહિના સુધી ભારે શોધખોળ કરવી પડી હતી. આ દરમિયાન ઈન્દોર ખાતે રહેતી અને ચાર વર્ષનાં હેવી વ્હીકલનો અનુભવ ધરાવતી એક મહિલા ચાલક સુરત પાલિકાને મળી હતી. સુરત મનપા દ્વારા પહેલી વખત પિંક બસ માટે મહિલા ચાલકની પસંદગી થતાં ગયા વર્ષે ૨૦મી નવેમ્બરથી પિંક બસનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો હતો. જાે કે, ઈન્દોરથી આવેલ મહિલા ચાલક પારિવારિક કારણોસર ગણતરીનાં સમયમાં જ સુરતને અલવિદા કહીને પોતાનાં વતનની વાટ પકડી હતી. જેને પગલે પિંક ઓટોની જેમ હવે પિંક બસમાં પણ મહિલા ચાલક માટેની શોધખોળ વધુ એક વખત શરૂ કરવામાં આવી છે.