લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026 |
2178
શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રાગડ રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૩૭ વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સસરા અને નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજ ઉત્પીડનની ચાંદખેડા પોલીસ મથકે ગંભીર ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને દહેજ પ્રતિબંધક અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૧માં કોર્ટ મેરેજ અને વર્ષ ૨૦૧૩માં સામાજિક રીત-રિવાજ મુજબ લગ્ન થયા બાદ સાસરિયાંઓ દ્વારા પરિણીતાના પિયરમાંથી રૂ. ૩,૧૦,૦૦૦ દહેજ પેટે લાવી આપવા સતત દબાણ કરવામાં આવતું હતું. પરિણીતાના પિયરપક્ષની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પૈસા ન લાવી શકતાં તેને અવારનવાર બોલાચાલી કરી મેણાં-ટોણાં મારી અતિશય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.આ ઉપરાંત, પરિણીતાના પતિ દારૂ પીવાની કૂટેવ ધરાવતા હતા અને અવારનવાર ઘરકંકાશ કરી મારી-ઝૂડીને બળજબરીથી અમાનુષી શારીરિક સંબંધો બાંધતા હતા. ગોવા પ્રવાસ દરમિયાન પણ પતિએ અનૈતિક માંગણીઓ કરી હતી, જેનો વિરોધ કરતાં પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, વર્ષ ૨૦૨૦માં પતિ બીમાર હોવાના સમયે સસરાએ પણ પરિણીતા પાસે અયોગ્ય અને અનૈતિક માંગણીઓ કરી હોવાનો ચોંકાવનારો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.સાસરિયાંઓના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે પરિણીતાએ ચાંદખેડા પોલીસ મથકનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી છે.