લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026 |
3564
શહેરના સચિન વિસ્તારમાં તલંગપૂર રોડ પર આવેલ એ ટુ ઝેડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગેરકાયદે બનાવેલા રહેણાંક મકાનની અંદર સાંજના સમયે લાગેલી આગે ફાયર બ્રિગેડ વિભાગને દોડતું કરી દીધું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાંચ ફાયર સ્ટેશનની આઠ જેટલી ગાડીઓનો કાફલો અને બે ટીટીએલ મશીન પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યા હતા પરંતુ સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાની થવા પામી ન હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જેહમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલની અંદર છઠ્ઠા માળે ગેરકાયદે ધમધમતા રહેણાંક મકાનની અંદર આગ લાગી હતી પરંતુ કોલ હોસ્પિટલમાં આગ લાગી હોવાનો મળતા ફાયરબ્રિગ્રેડ વિભાગ દોડતું થઇ ગયું હતું.
શહેરના સચિન વિસ્તારમાં તલંગપુર રોડ પર ગજાનંદ કોમ્પલેક્ષની બાજુમાં જ એ ટુ ઝેડ મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ આવેલી છે. ગ્રાઉન્ડ પ્લસ છ માળની હોસ્પિટલમાં ગ્રાઉન્ડથી ચાર માળ સુધી મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ચાલે છે. જ્યારે પાંચમા માળ પર હોસ્પિટલમાં ફરજ બજાવતો ર્નસિંગ સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હોસ્પિટલના સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે છઠ્ઠા માળે રહેણાંક વિસ્તાર બનાવી દેવામાં આવ્યો છે અને હોસ્પિટલ સાથે કોઈ લાગતું વળગતું નથી તેવા વ્યક્તિને રહેવા માટે ભાડે પણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન આજે ચાર વાગ્યાના અરસામાં છઠ્ઠા માળે રહેણાંક મકાનના બાથરૂમમાં શોર્ટ સકિર્ટ બાદ આગ ભભૂકી ઊઠી હતી અને ગણતરીની મિનિટોમાં આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી છઠ્ઠા માળે ઘરની અંદર સુધી પ્રસરી ગઈ હતી. જેના કારણે હોસ્પિટલની અંદર આગ લાગી હોવાનો મેસેજ વાયરલ થયો હતો અને ફાયરબ્રિગ્રેડ કંટ્રોલ વિભાગમાં પણ હોસ્પિટલમાં આગ લાગી હોવાનો કોલ આપવામાં આવ્યો હતો. છ માળની મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલમા આગ લાગી હોવાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડ કંટ્રોલ વિભાગ દ્વારા ભેસ્તાન, ડીંડોલી, ભીમરાડ, વેસુ, ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનથી કુલ આઠ ગાડીઓને ઘટના સ્થળે ખડકી દેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ ફસાયો હોય તો રેસ્ક્યુની કામગીરી કરવા માટે બે ટીટીએલ ગાડી પણ ખડકી દેવાઈ હતી. પરંતુ સદનસીબે આગની ઘટના હોસ્પિટલમાં નહિ પરંતુ તેના ઉપર ગેરકાયદે રહેણાંક રૂમની અંદર બની હતી. હોસ્પિટલમાં માત્ર ચારથી પાંચ દર્દીઓ હોવાથી તેઓને સમયસર નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો કરી આગને કાબુમાં લેવામાં આવી હતી સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાની થવા પામી ન હતી.