લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026 |
2178
ચાંદખેડા વિસ્તારમાં એટીએમ કાર્ડમાંથી રૂપિયા ઉપાડી લેવા જેવી બાબતે થયેલા ઝઘડા અને ધમકીથી લાગી આવતાં એક ૧૭ વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે મૃતક સગીરાના પરિવારે સામાજિક અને ધાર્મિક અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ ચાંદખેડા પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૭ ઓગસ્ટના રોજ બપોરના સમયે ૧૭ વર્ષીય સગીરા, તેની માતા અને તેની બહેન ચાંદખેડા સ્થિત માન સરોવર એપાર્ટમેન્ટ ખાતે રહેતા પોતાના મોસાળમાં ગયા હતા. તે સમયે મામાના દીકરા રોનક કૈલાશભાઈ બાગડી નામના યુવકે સગીરાના એટીએમ કાર્ડમાંથી રૂ. ૫,૦૦૦ કાઢી લીધા હતા. આ નાણાં અંગે પૂછપરછ કરવા માટે પરિવારજનો બપોરે આશરે અઢી વાગ્યાના સુમારે યુવક પાસે ગયા હતા. તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા રોનક બાગડીએ સગીરા તથા તેના પરિવારજનો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને બિભત્સ ગાળો આપી હતી.યુવકે પરિવારજનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોબાળો મચાવ્યો હતો. આ ધમકી અને અપમાનજનક વર્તનથી ગભરાઈને પરિવારજનો પોતાના ઘરે પરત ફર્યા હતા. પરંતુ આ બનાવથી ગંભીર આઘાત પામેલી ૧૭ વર્ષીય સગીરાએ તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાના સુમારે સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે સાબરમતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મૃતક સગીરાની અંતિમ વિધિ પૂરી થતાં, પરિવાર દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચાંદખેડા પોલીસે આરોપી રોનક કૈલાશભાઈ બાગડી વિરુદ્ધ બી.એન.એસ. ની કલમ ૧૧૫(૨), ૨૯૬ અને ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.