લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2026 |
2673
હિમાચલ પ્રદેશના શિમલામાં એક ખેડૂતે સફરજનના પરિવહનને સરળ બનાવવા માટે તેના સફરજનના બગીચામાં મોનોરેલ સિસ્ટમ સ્થાપિત કરી છે. ચીનથી આયાત કરાયેલા એન્જિન અને ટ્રેકથી બનેલી આ સિસ્ટમનો ખર્ચ આશરે રૂા.૪.૨૦ લાખ થયો છે. મોનોરેલ એક સમયે ૫૦૦ કિલોગ્રામ સફરજન લઈ જઈ શકે છે.
દર વર્ષે, હિમાચલ પ્રદેશમાં સફરજન ઉગાડનારાઓને તેમના બગીચામાંથી રસ્તા પર સફરજનના ક્રેટ લઈ જવામાં એક મહત્વપૂર્ણ પડકારનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ડુંગરાળ અને ઢાળવાળા પ્રદેશમાં સફરજનના ક્રેટ વહન કરવું કપરું છે. મજૂરોની અછત આ સમસ્યાને વધુ જટિલ બનાવે છે. શિમલા જિલ્લાના કોટખાઈ વિસ્તારના ધાંગવી ગામના ખેડૂત સુનિલ ચૌહાણે આ સમસ્યાનો ટેકનોલોજીકલ ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે તેમના બગીચામાં મોનોરેલ સિસ્ટમ સ્થાપિત કરી છે, જેનાથી મોટી માત્રામાં સફરજનનું પરિવહન સરળ બને છે.
સુનિલ ચૌહાણે પોતાના બગીચામાં ૧૦૦ મીટર લાંબો મોનોરેલ ટ્રેક બનાવ્યો છે. તે નવ હોર્સ પાવર એન્જિનથી સજ્જ છે. તેમના મતે, આ સિસ્ટમ એક સમયે આશરે ૫૦૦ કિલોગ્રામ સફરજનનું પરિવહન કરવામાં સક્ષમ છે. તેની અનોખી વિશેષતા એ છે કે તે ૪૫ ડિગ્રી સુધીના ઢોળાવ પર કામ કરી શકે છે.
આવી સિસ્ટમ પર્વતીય વિસ્તારોમાં બગીચાના ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જ્યાં પરંપરાગત વાહનો દ્વારા પહોંચવું મુશ્કેલ છે. તે લાંબા અંતર પર સફરજનના ક્રેટ્સને મેન્યુઅલી લઈ જવાની જરૂરિયાતને પણ ઘટાડી શકે છે.આ મોનોરેલ સિસ્ટમ માટેના એન્જિન અને ટ્રેક ચીનના ગુઆંગઝુથી આયાત કરવામાં આવ્યા હતા. આખી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે આશરે રૂપિયા ૪.૨૦ લાખનો ખર્ચ થયો હતો. અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટને રૂપિયા ૫૦,૦૦૦ ની સરકારી સબસિડી પણ મળી હતી.
સુનીલ ચૌહાણ પાસે સફરજનના ત્રણ બગીચા છે, પરંતુ હાલ તેમણે ફક્ત એકમાં મોનોરેલ સ્થાપિત કરી છે. સફળ પરીક્ષણ પછી, તેઓ તેને બીજા બગીચામાં પણ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.
આગામી સફરજનની સિઝનમાં તેના દ્વારા પરિવહન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સુનીલ ચૌહાણ પરિવહન માટે નવી તકનીકો જ અપનાવી રહ્યા નથી, પરંતુ બાગાયતમાં આધુનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તેઓ તેમના જૂના બગીચાઓમાં સઘન બાગાયતી તકનીકો અને ટોપ ગ્રાફ્ટિંગ દ્વારા સફરજનની નવી જાતો વિકસાવી રહ્યા છે.તેમના મતે, તેમના બગીચા દર વર્ષે લગભગ ૪,૦૦૦ થી ૪,૫૦૦ બોક્સ સફરજનનું ઉત્પાદન કરે છે. સારી પરિવહન વ્યવસ્થા સમય અને મહેનત બચાવવામાં મદદ કરી શકે છે.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સુંદરનગરમાં આવેલા પાલોહટા-૨ ક્લસ્ટરમાં બાગાયતી મોનોરેલ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. એચપી શિવા પ્રોજેક્ટ હેઠળ, એશિયન ડેવલપમેન્ટ બેંકના સમર્થનથી આશરે ૩૦૦ મીટર ટ્રેક પૂર્ણ અને પરીક્ષણ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આશરે એક કિલોમીટર ટ્રેકનો સમાવેશ કરવાની યોજના છે.