લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026 |
2673
વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સફળ કામગીરી કરીને સાયબર ફ્રોડ આચરતા મુખ્ય સુત્રધારને ઝડપી પાડી રૂ. ૧૧૩૫૯૭૫ ના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આરોપી પોતાની પત્ની અને સાળીના બેંક અકાઉન્ટમાં ફ્રોડના પૈસા મેળવી તેમાં રૂ. ૧.૪૬ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો આચરી દેશભરની ૯ જેટલી સાયબર ફરિયાદોના નાણાં રોકડેથી ઉપાડી લેતો હતો. તેમજ ક્રિપ્ટો કરન્સીનું ખરીદ-વેચાણ કરી નાણાં સગેવગે કરતો હતો. આ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ગુનાઓ પર લગામ કસવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વલસાડ સાયબર ક્રાઇમ પી.આઈ. એચ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એસ. પટેલ, પી.એસ.આઈ. ડી.કે. ત્રિપાઠી તથા તેમની ટીમ દ્વારા મ્યુલ એકાઉન્ટોનું ઊંડાણપૂર્વક ડીટેલ એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસના ધ્યાને આવ્યું હતું કે, વાપીના ચણોદ ખાતે રહેતી ખુશી કુમારી ઉમેશ કુમાર નિષાદના નામનું બેંક અકાઉન્ટ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં વપરાઈ રહ્યું છે. આ ખાતામાં ફેબ્રુઆરી-૨૦૨૬થી ઓગસ્ટ-૨૦૨૬ સુધીના ટૂંકા ગાળામાં કુલ્લે રૂ. ૧,૪૬,૯૬,૬૫૬ ના તોતિંગ ટ્રાંઝેક્શનો થયા હતાં. વધુ તપાસ કરતા બહાર આવ્યું કે, દેશના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ક્રાઈમની ૯ જેટલી ફરિયાદો નોંધાયેલી છે, જેના સાયબર ફ્રોડના રૂ. ૬,૨૬,૮૭૯ આ ખાતામાં જમા થયા હતાં.
ખુશી કુમારીની સઘન પૂછપરછ કરતાં તેણે ખુલાસો કર્યો હતો કે, આ બેંક એકાઉન્ટ તેણે પોતાના જીજાજી રાહુલ કુમાર શૈલેંદ્ર ચૌધરીને વાપરવા માટે આપ્યું હતું. આ મહત્ત્વની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી રણછોડ નગર, છીરી, વાપી ખાતેથી રાહુલ કુમારની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તે પોતાની પત્ની અને સગા-સંબંધીઓના બેંક એકાઉન્ટ મેળવીને અલગ-અલગ રીતે સાયબર ફ્રોડ આચરતો હતો. સાયબર ઠગાઈથી મેળવેલી રકમ પત્ની અને સાળીના બેંક ખાતામાં મેળવ્યા બાદ પોતે જાતે બેંકમાં જઈને રોકડ રકમ ઉપાડી લેતો હતો. એટલું જ નહીં, તપાસમાં તેની પત્નીના ખાતામાં પણ રૂ. ૫,૦૯,૦૯૬ ની ફ્રોડ રકમ જમા થઈ હોવાનું ખુલ્યું છે. તેમજ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે તે બાયનાન્સ એપ્લિકેશન મારફતે ક્રિપ્ટોકરન્સીનું ખરીદ-વેચાણ કરતો હતો. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપી તેમજ તેના સગા-સંબંધીઓના ખાતાના ટ્રાન્ઝેક્શનોની આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી રાહુલ કુમાર શૈલેંદ્ર ચૌધરીની પાસેથી બેંકની ચેકબુક તથા મોબાઇલ ફોન જપ્ત કર્યા હતાં.