લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026 |
1980
નાસિરનગરનાં સ્પોન્સર્ડ ગેરકાયદે ડીમોલિશનકાંડમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર નાગરાજને ભાંગરો વાટ્યો હોવાથી બેકફૂટ ઉપર મૂકાયેલાં સુરત મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશોએ હાઇકોર્ટની ફટકાર ઝીલીને નામોશી વ્હોરી હતી પરંતુ વર્ષો જૂની ફાઇલોની તપાસમાં ડીમોલિશન સ્થળે મહાનગર પાલિકાનો રસ્તો હોવાનો ઘટસ્ફોટ થતાં હવે મહાનગર પાલિકાનાં સત્તાધીશો અસરગ્રસ્તો સામે લડી લેવાનાં મૂડમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે. કાયદાકીય પ્રક્રિયા અપનાવ્યા વિના ડીમોલિશન કરવામાં આવ્યું હોવાનાં મુદ્દે હાઇકોર્ટે આક્રામક વલણ અપનાવ્યું હોવાથી અત્યારસુધી બેકફૂટ મૂકાયેલાં સત્તાધીશોએ વધુ અનુભવી અને નિષ્ણાંત વકિલોની મદદ લઇને હાઇકોર્ટનો સામનો કરવાનો ર્નિણય કર્યો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલાં નાસિરનગરમાં મહાનગર પાલિકાની ટીમે પોલીસ-સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની મદદ લઇને મેગા ડીમોલિશન કર્યું હતું. ગરીબ અને લોઅર મિડલ ક્લાસનાં લોકોને ચોમાસા પહેલાં બેઘર કરવાનાં પગલાંની ચોમેર ટીકા થઇ હતી. સ્થાનિક રહિશોને નોટિસ આપ્યા વિના, કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ડીમોલિશન કરી દેવામાં આવ્યું હોવાથી હાઇકોર્ટે પણ તેની ગંભીર નોંધ લઇ સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોની આકરાં શબ્દોમાં ટીકા કરી હતી. નાસિરનગરનાં અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસો આપવાનો મુદ્દો સપાટી ઉપર આવતાં અગાઉ એડવોકેટ જનરલે વૈકલ્પિક આવાસો આપવાની બાંયધરી મહાનગર પાલિકા વતી હાઇકોર્ટને આપી હતી. જાે કે, મહાનગર પાલિકાનાં અધિકારીઓએ વર્ષો જૂનાં દસ્તાવેજાેની ચકાસણી કરતાં જ્યાં ડીમોલિશન કરાયું હતું તે સ્થળ મહાનગર પાલિકાનો રસ્તો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ૧૯૮૦માં તે સ્થળે લાઇનદોરી મૂકવામાં આવી હતી અને વર્ષ ૨૦૧૫માં જ્યારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ બનાવવાનો હતો ત્યારે પણ તેની બાજુમાં આવેલી જમીનનું રસ્તા માટે સંપાદન કરવામાં આવ્યું ત્યારે ૩૨ કરોડ રૂપિયા મહાનગર પાલિકાએ ચૂકવ્યા હતાં અને ત્યારે પણ આવાસોનું ડીમોલિશન કરીને અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થારૂપે આવાસો આપવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં વર્ષ ૨૦૧૫માં જમીન ખરીદી માટે બનાવાયેલાં સેલડીડનાં નકશામાં પણ લાઇનદોરી-રસ્તો દર્શાવવામાં આવ્યો હતો, સિટી સર્વેનાં નકશામાં પણ રસ્તો દર્શાવાયેલો છે.
પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે મહાનગર પાલિકાની ઓફિસોમાં ધરબાયેલી ફાઇલોનો પૂરતો અભ્યાસ કરાવ્યા વિના સુજલ પ્રજાપતિ સહિતનાં અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરીને હાઇકોર્ટમાં અધૂરી વિગતો ધરાવતી એફિડેવિટ ફાઇલ કરતાં હાઇકોર્ટમાં સુરત મહાનગર પાલિકાને ફટકાર પડી હતી.
નાસિરનગરમાં ડીમોલિશન થતાં જે લોકોનાં મકાનો તૂટ્યાં છે તે પૈકી એક પરિવારને તો પહેલાં ઇડબલ્યુએસ યોજના અંતર્ગત મકાન મળી ગયું છે જ્યારે અગાઉ બ્રિજ માટે મકાનો તૂટ્યાં હતાં ત્યારે પણ જેમને આવાસો ફાળવ્યાં હતાં તે પૈકીનાં કેટલાક પરિવારનાં નામે નાસિરનગરમાં મકાનો નોંધાયલાં છે હોવાનું મહાનગર પાલિકાનાં અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે.
લાઇનદોરીમાં આવતી મિલકતોનું ડીમોલિશન કરવામાં આવે તો વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે બીજી મિલકત આપવાની નીતિ નથી, ભૂતકાળમાં રાજમાર્ગ-ભાગળ અને ઉધના-સચિન રોડ ઉપર લાઇનદોરીનો અમલ કરવામાં મિલકતો તોડી પાડવામાં આવી હતી ત્યારે મિલકદારોને કોઇ વૈકલ્પિક મિલકતો અપાઇ ન હતી. જાે નાસિરનગરનાં કેસમાં લાઇનદોરીનાં અમલનાં ભાગરૂપે આવાસો તોડાયા હોય તો કેવી રીતે વૈકલ્પિક આવાસો અપાય તેવો સવાલ ઉભો થતાં સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ હાઇકોર્ટમાં પોતાનું વલણ બદલ્યું હોવાનું કહેવાય છે. હાઇકોર્ટે આ મુદ્દે આકરૂં વલણ અખત્યાર કર્યું છે પરંતુ નીતિ વિષયક બાબત હોવાથી મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશો તેમજ શાસકો પણ વૈકલ્પિક આવાસો નહીં ફાળવવા બાબતે મક્કમ જણાય છે અને આ મુદ્દે વધુ સીનિયર, અનુભવી, નિષ્ણાંત વકિલની મદદ લઇને હાઇકોર્ટમાં કેસ લડવા ર્નિણય કર્યો હોવાનું જાણવા મળે છે.
અત્યારસુધી મહાનગર પાલિકાનો કેસ મજબુત કરવામાં કાયદાવિભાગ અને સેન્ટ્રલ ઝોનનાં અધિકારીઓ ઉણાં ઉતર્યા હોવાથી હાઇકોર્ટમાં મહાનગર પાલિકાને ફટકાર પડી હતી પરંતુ હવે વર્ષો જૂની ફાઇલો અને રેકર્ડની તપાસ તેમજ વર્ષ ૨૦૧૫નાં સેલડીડ અને ગુગલમેપની વિગતોને આધારે મનપાનો રસ્તો હોવાનો ઘટસ્ફોટ થતાં સત્તાધીશોએ મજબુત લડત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળે છે.