લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026 |
1584
શહેરનાં કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા વેડરોડનાં પંડોળ વિસ્તારમાં બીનઅધિકૃત રીતે ધમધમતી તપેલા ડાઈંગ મિલો સીલ કરીને સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ તપાસ દરમિયાન વિવિધ મિલકતોમાં ગેરકાયદેસર રીતે ડાઈંગનું કામ થતું હોવાનું બહાર આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. આ એકમોમાં વપરાતા કલર અને રસાયણોનું કેમિકલયુક્ત ગંદુ પાણી સીધું ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવતું હોવાની બાબત સામે આવી હતી. જેના કારણે પીવાના પાણીની ગુણવત્તા જોખમાઈ રહી હોવાની અને સ્થાનિક નાગરિકોનાં આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થતો હોવાની ફરિયાદો કરવામાં આવી હતી.
વેડરોડ તથા પંડોળનાં સ્થાનિક રહીશો દ્વારા આ મુદ્દે અગાઉ મનપામાં અનેક ફરિયાદો અને અરજીઓ કરવામાં આવી હતી. રહીશોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બીનઅધિકૃત રીતે તપેલા ડાઈંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાતાં સંબંધિત મિલકતોના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા ઉપરાંત મિલકતો ખાલી કરવા, એકમો દૂર કરવા અને સીલ કરવાની કાર્યવાહી અંગે સૂચના આપવામાં આવી હતી. મનપા દ્વારા આપવામાં આવેલી નોટિસની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ પણ સ્થિતિમાં સુધારો ન જણાતાં તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. ઝુંબેશ દરમિયાન આશરે ૫૨ જેટલી ગેરકાયદેસર તપેલા ડાઇંગમિલોને સીલ કરવામાં આવી હતી. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ડાઈંગનો વ્યવસાય કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. કેમિકલયુક્ત પાણીનો અયોગ્ય નિકાલ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. પીવાના પાણીની લાઈનોમાં ગંદુ પાણી ભળવાની આશંકા અંગે સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી હતી. મનપા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોનાં આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે. આગામી દિવસોમાં પણ આવા એકમો સામે નિયમ મુજબ સીલિંગ સહિતનાં કડક પગલાં લેવામાં આવશે.