લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026 |
1980
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચાવી દીધી છે. મોબાઈલ ફોન અને પ્રેમ સંબંધના વહેમની અદાવતમાં એક યુવકની સરેઆમ કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. આ ગોઝારી ઘટનાને કારણે ગામમાં અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની વિગતો મુજબ, બોરીસણા ગામે રહેતી મિત્તલબેન પોપટજી ઠાકોરના નાના દીકરા કરણનો મોબાઇલ ફોન ગામની એક સગીરા પાસેથી મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોન બાબતે પ્રેમ સંબંધનો વહેમ રાખીને ગત રોજ મોડી રાત્રે ગામમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મિત્તલબેન અને તેમનો ૨૦ વર્ષીય પુત્ર રાકેશ ઉર્ફે લાલો આ ફોન પરત લેવા માટે અમરતબેન બાલાજી ઠાકોરના ઘરે ગયા હતા, જ્યાં મામલો વધુ ગરમાયો હતો. બોલાચાલી દરમિયાન વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. તે જ સમયે અમરતબેનનો પુત્ર ભાવેશ બાલાજી ઠાકોર, જીતુ દિનેશજી ઠાકોર, કિશન વિષ્ણુજી ઠાકોર અને જયમીન નાયક ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન જીતુ, કિશન અને જયમીને રાકેશને પકડી રાખ્યો હતો, જ્યારે ભાવેશે પોતાની પાસે રહેલી લોખંડની તીક્ષણ છરી રાકેશના પેટના ભાગે ઘા મારી દીધો હતો. આ ક્રૂર હુમલાને કારણે રાકેશના આંતરડા બહાર આવી ગયા હતા અને તે ઘટના સ્થળે જ લોહીલુહાણ થઈને ફસડાઈ પડ્યો હતો.