લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026 |
3366
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM
સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.
ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું
વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.
PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેક
પીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.
અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી
આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.