લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુલાઈ 2026 |
2970
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનોલના મિશ્રણ પછી હવે એલપીજીના વિકલ્પ તરીકે ઇથેનોલ લાવવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલય એવી નીતિ તૈયાર કરી રહ્યુ છે જેના દ્વારા ઇથેનોલે ડોમેસ્ટિક કૂકિંગ ફ્યુઅલ તરીકે અપનાવવાનો રસ્તો બનાવવામાં આવશે. આ અંગે ઔદ્યોગિક સંગઠનો અને ઇંધણ પુરવઠા સાથે જાેડાયેલી કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
હવે જાે આ યોજના અમલી બને છે તો આગામી સમયમાં રસોઈ ગેસની સાથે ઇથેનોલ પણ એક મહત્ત્વના ઇંધણ તરીકે ઉપયોગમાં લઇ શકાશે. સરકારી સૂત્રો મુજબ મંત્રાલય એવી નીતિ પર કામ કરી રહ્યું છે જેથી ઇથેનોલના ઉત્પાદનથી લઈને ઘરો સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી શકાય. આ નીતિમાં સપ્લાય ચેઇન વિકસાવવી, ઇથેનોલ સ્ટવને પ્રોત્સાહન આપવું અને જરૂર પડતાં સબસિડીની પણ જાેગવાઈ છે. સપ્ટેમ્બર સુધીમાં ઇથેનોલની આ નવી નીતિનું માળખું તૈયાર કરી શકાય છે.ઇથેનોલ એક ગ્રીન ફ્યુઅલ છે. તે મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ આધારિત ફીડ સ્ટોકમાંથી તૈયાર કરવામાં આવે છે. તેને અપેક્ષાકૃત સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ગેસની ઉપલબ્ધતા પરનું અવલંબન ઘટાડવા માટે કરી શકાય છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષાેમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.હાલમાં દેશમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ધોરણે ૨૦ અબજ લિટરનો આંકડો વટાવી ચૂકી છે. આ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષમાં તેમા બીજા ચાર અબજ લિટરનો ઉમેરો થઈ શકે છે. તેમા ઈ-૨૦માં ૧૧ અબજ લિટર ઉપયોગમાં લેવાયા પછી લિકર, ફાર્મા અને કેમિકલ સેક્ટરમાં ત્રણથી સાડા ત્રણ અબજ લિટર ઉપયોગમાં લેવાયા બાદ સાત અબજ લિટરનો પુરવઠો અનામત પડયો રહે છે.
સરકારી કંપનીઓએ ઇથેનોલ મિશન પર ૧.૭૨ લાખ કરોડ ખર્ચ્યા છે:કેન્દ્ર
રાજ્ય માલિકીની પેટ્રોલિયમ કંપનીઓએ અત્યાર સુધીમાં દેશના ઇથેનોલ મિશન પર ૧.૭૨ લાખ કરોડ ખર્ચ્યા છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે રાજ્ય માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇથેનોલ સપ્લાય વર્ષ ૨૦૨૩-૨૪ માં ઇથેનોલ ખરીદી પર ૪૮,૭૫૭ કરોડ, ઈએસવાય ૨૦૨૪-૨૫ માં ૭૩,૯૯૬ કરોડ અને ઇએસવાય ૨૦૨૫-૨૬ માં જૂન સુધીમાં? ૪૯,૫૭૭ કરોડ ખર્ચ્યા હતા. મંત્રી સુરેશ ગોપીએ માહિતી આપી હતી કે ૧૬ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં રાજ્ય માલિકીની ઓઇલ કંપનીઓએ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ વિકૃત ર્નિજળ ઇથેનોલના પુરવઠા માટે ૫૦૧ ઇથેનોલ ઉત્પાદન એકમો નોંધાવ્યા હતા.