લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓક્ટોબર 2026 |
4653
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા ગુતાલ ગામે જૂની અંગત અદાવતને લઈને બે જૂથો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે. અગાઉની કોઈ બાબતને મનમાં રાખીને આ બંને પક્ષો અચાનક સામસામે આવી ગયા હતા અને જાેતજાેતામાં વાતાવરણ તંગ બની ગયું હતું. શરૂઆતમાં બંને તરફથી ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, જે બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.
બંને જૂથના લોકો પોતાના હાથમાં મોટા લાકડાના દંડા લઈને રસ્તા પર આવી ગયા હતા. વાતાવરણ વધારે વણસતાં બંને તરફથી એકબીજા પર સામસામે ભારે પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાના કારણે ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતપોતાના ઘર તરફ ભાગવા મજબૂર બન્યા હતા. આ સમગ્ર હિંસક ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વીડિયોમાં બંને પક્ષના લોકો હાથમાં લાકડાના દંડા સાથે એકબીજા પર પથ્થરોના ઘા કરતા સ્પષ્ટપણે જાેઈ શકાય છે. ઘટના અંગે વડતાલ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર જે એચ વાઘેલાએ જણાવ્યું હતું કે ભૂતકાળની કોઈ બાબતની રીસ રાખીને બંને જૂથો વચ્ચે આ અથડામણ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ વડતાલ પોલીસનો કાફલો તાત્કાલિક ગુતાલ ગામે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ગામમાં શાંતિ સ્થાપી હતી. પોલીસે હાલ બંને પક્ષો સામે ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે. આ મામલે વાયરલ થયેલા વીડિયોના આધારે પથ્થરમારો કરનાર અને લાકડીઓ સાથે ધમાલ મચાવનાર તત્વોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ આવી છે.