શહેરનાં તમામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરનો સર્વે કરી આકારણી ચોપડે દાખલ કરવાનો આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026  |   1881

સુરત શહેરમાં ઓપન પ્લોટ સહિતના વિવિધ વિસ્તારોમાં બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરો હવે સુરત મહાનગર પાલિકા માટે માથાનો દુ:ખાવો બન્યા છે. ફૂડ કોર્ટથી માંડી ગોડાઉન અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ માટે ઉભા કરવામાં આવતા આવા સ્ટ્રક્ચરોની મોટી સંખ્યા હજુ સુધી મનપાનાં આકારણી દફતરે નોંધાયેલી ન હોવાથી પાલિકાને મિલકત વેરાની આવકમાં પણ નુકસાન થઈ રહ્યું હોવાની સ્થિતિ હોવાથી લોકસત્તા-જનસત્તાએ ઉપાડેલી ઝૂંબેશ બાદ હવે વહિવટી તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરનાં તમામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરનો સર્વે કરી તેની ફરજિયાત આકારણી દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

મનપાના વિવિધ ઝોનમાં ખુલ્લી જગ્યાઓ અને પ્લોટમાં મંજૂરી કે જરૂરી પ્રક્રિયા વિના ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. ખાસ કરીને ફૂડ કોર્ટ, ગોડાઉન સહિતના સ્ટ્રક્ચરોમાં આગ લાગવાની ઘટનામાં પૂરતી ફાયર સેફ્ટીનો અભાવ ગંભીર જાેખમ ઊભું કરે છે. આવા સ્ટ્રક્ચરોને કારણે આસપાસની મિલકતોને પણ નુકસાન થવાની શક્યતા રહે છે. બીજી તરફ, આ મિલકતો આકારણી ચોપડે દાખલ ન હોવાથી મનપાની આવકને પણ ફટકો પડી રહ્યો છે. આ મુદ્દે તાજેતરમાં ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચની અધ્યક્ષતામાં શહેરનાં તમામ ઝોનનાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ ઝોનમાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરોનો તાત્કાલિક સર્વે હાથ ધરી તેમની આકારણી દાખલ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. નિધિ સિવાચે સાત દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી ટેમ્પરરી સ્ટ્રક્ચરોને આકારણી દફતરે ચોપડે દાખલ કરવા તાકીદ કરી છે. આ આદેશ બાદ તમામ ઝોનના એઆરઓ સહિતનો સ્ટાફ સર્વેની કામગીરીમાં જાેતરાઈ ગયો છે. હવે સર્વે દરમિયાન કેટલા ટેમ્પરરી સ્ટ્રક્ચરો મળી આવે છે અને તેમાંથી કેટલાની આકારણી દાખલ થાય છે તેના પર સૌની નજર રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution