PM મોદીએ ગુજરાતના 15 લાખ ભાજપ પેજ પ્રમુખોને પત્ર લખ્યો, જાણો શું કહ્યુ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ફેબ્રુઆરી 2021  |   1188

ગાંધીનગર-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાઓ માટે જાેરશોરથી પ્રચાર પસાર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા છ મહાનગરપાલિકાઓમાં વિજય મેળવવા માટે એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ લાખ પેજ સમિતિને સંબોધીને પત્ર લખ્યો છે. અને ચૂંટણી પહેલાં તે લોકોની કામગીરીને બિરદાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પેજ પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે. ચૂંટણી એ જન ગણના મન સુધી પહોંચવાનું નિમિત્ત માત્ર છે. જેના દ્વારા ઘર ઘરના સભ્યોને, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જાેડાવાનો અવસર પ્રાપ્ત થાય છે. પેજ કમિટી પ્રણાલી એ એકસૂત્ર માળા જેવી છે. જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, વરિષ્ઠ કાર્યકરો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓથી માંડી છેવાડાના શ્રમિક સુધીના તમામ વર્ગના સભ્યો જનસંપર્કમાં સરખા ભાગીદાર બને છે અને પક્ષમાં એક બૃહદ પરિવારની ભાવના સુદ્રઢ થાય છે. લોકોની સમસ્યા અને પ્રશ્નોને સમજવા લોકો વચ્ચે જવું અને વિવિધ પ્રશ્નો તેમજ સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરવાની પ્રક્રિયા આ કડી મજબૂત બનાવે છે અને વિકાસગાથાના નવા નવા પ્રકરણો ઉમેરી શકાય છે. ૧૫ લાખ પેજ સમિતિ દ્વારા ૨.૨૫ કરોડ મતદારો સુધી પહોંચવાનું એક ભગીરથ કાર્ય એક એક ટીપાથી સમુદ્ર ભરવા જેવું ધીરજ માંગી લે એવું અભિયાન છે.

લોકશાહીનો ધબકાર મતદાર હોય છે. પેજ કમિટી-મહાજન સંપર્ક અભિયાન મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપનારું છે અને આ રીતે લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવામાં મહત્વનો ફાળો આપશે. લોકોની આકાંક્ષા અને અપેક્ષાઓને સમજવી અને એના પર ખરા ઉતરવું એ કર્મનિષ્ઠ અને સંવેદનશીલ કાર્યકરની નૈતિક ફરજ બને છે.

ગુજરાત અને ભારતીય જનતા પક્ષનો આરંભથી જ અતૂટ નાતો રહ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી પર સદૈવ માતૃત્વવત નિઃશ્વાર્થ સ્નેહ વરસાવ્યો છે. ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ સૂત્ર જ નહીં ભાજપ ગુજરાતના સંબંધની હ્રદયની છબિ છે. મને ખારતી છે કે, પરસ્પર વિશ્વાસની આ ગંગા નિરંતર વહેતી રહશે. મહાભારતમાં અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણા માટે છેવાડાના માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એવું લક્ષ્ય હોવું જાેઈએ.

મહાનગર પાલિકા-પંચાયતી રાજની ચૂંટણીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને લોકશાહીના આ પાવન પર્વની નિમિત્તે શુભકામના. સંકલ્પબદ્ધ સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મશાલ સાથે સૌ ન્યૂ ઈન્ડિયાની યાત્રામાં સહભાગી થઈએ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution