શહેરમાં ઈદે મિલાદ પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું નાઈટ ફૂટ પેટ્રોલિંગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   5148

આગામી ૨૬ ઓગસ્ટના રોજ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ‘ઈદે મિલાદ’ની ઉજવણી થનાર છે. આ પ્રસંગે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહે અને તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શાંતિ અને સલામતીનો માહોલ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવાની સાથે સાથે સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ બેઠકો યોજવામાં આવી રહી છે.

ઈદે મિલાદના પરંપરાગત જુલૂસના માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ઝોન-૫ ના ડીસીપી જિતેન્દ્ર અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશેષ સુરક્ષા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ હેઠળ ગોમતીપુર, બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં છઝ્રઁ સહિત ૧૦૦થી વધુ પોલીસ જવાનોના વિશાળ કાફલાએ રાત્રિના સમયે સઘન પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસની આ પગપાળા કૂચનો મુખ્ય હેતુ અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાનો અને સામાન્ય નાગરિકો કોઈપણ પ્રકારના ભય વિના તહેવાર મનાવી શકે તેવો મજબૂત સંદેશ આપવાનો છે.આ ઉપરાંત, તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ અને પરસ્પર ભાઈચારો અકબંધ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિના સભ્યો સાથે ખાસ બેઠક યોજીને જુલૂસના રૂટ અને કાયદો-વ્યવસ્થા અંગે ઝીણવટભરી ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં સ્થાનિક આગેવાનોએ પણ કાર્યક્રમ શાંતિપૂર્વક પૂર્ણ થાય તે માટે પોલીસને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી છે, જેથી શહેરમાં શાંતિનો માહોલ બનેલો રહે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution