પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   5049

ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution