ટપાલ સેવાઃ અણુબોમ્બથી માંડીને ભારતીય રેલવેમાં ટોઈલેટની વ્યવસ્થા સુધી
09, ઓક્ટોબર 2024 કેયુર જાની   |   3564   |  

બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે હિટલર અણુબોમ્બ બનાવવાના પ્રયત્નમાં છે તેવા સમાચાર મળ્યા. હિટલરના હાથમાં અણુબોમ્બ જેવું ઘાતક હથિયાર આવી જાય તો દુનિયાનું નિકંદન કાઢી નાખે તેવો ભય હતો. હિટલર બનાવે તે પહેલા અણુબોમ્બ બનાવી લેવા મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને ટપાલ લખી. તે ટપાલ મળ્યા બાદ અમેરિકાએ એટોમિક પ્રોગ્રામને પ્રાથમિકતામાં લઈને અણુબોમ્બ બનાવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે યહૂદી અગ્રણી અને બેંકર લોર્ડ રોથચાઈલ્ડે બ્રિટનની પાર્લામેન્ટને ટપાલ લખી માંગ કરી હતી. લોર્ડ રોથચાઈલ્ડની માંગ હતી કે યહૂદીઓને તેમનો અલાયદો દેશ આપવામાં આવે. બ્રિટિશ પાર્લામેન્ટે સન ૧૯૧૭માં ખરડો પસાર કરી પેલેસ્ટાઇનમાં યહૂદીઓનું ઘર બનાવવાની મંજૂરીની જાણ કરવા લોર્ડ રોથચાઈલ્ડને ટપાલ લખી અને ઈઝરાઈલના પાયા નંખાયા.

પ્રથમ વિશ્વયુદ્ધ શરુ થતા ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત આવી ગયા. ચંપારણના ખેડૂતોની હાલત ખરાબ હતી. ગળીની ખેતીના મામલે ખેડૂતોની તકલીફને વાચા આપવા માટે ગાંધીજીને જાણ કરવાની હતી. ચંપારણના ખેડૂત રાજકુમાર સુકુલે ગાંધીજીને પોસ્ટકાર્ડ લખ્યું. ગાંધીજીને પોસ્ટકાર્ડ મળે તે પહેલા તેઓ દિલ્હીથી કલકતા જવા નીકળી ચુક્યા હતા. ગાંધીજી કલકત્તામાં હોવાની જાણ રાજકુમાર સુકુલને થઇ. તેઓ ગાંધીજીને મળવા કલકત્તા પહોંચ્યા ત્યારે ગાંધીજી દિલ્હી પરત જવા નીકળી ચુક્યા હતા. દિલ્હી પહોંચીને ગાંધીજીએ સુકુલજીને ટપાલ લખી કે હું ચંપારણ આવું છું. ગાંધીજીની ટપાલ પહોંચે તે પહેલા ગાંધીજી ચંપારણ પહોંચ્યા અને ચંપારણ સત્યાગ્રહ શરુ થયો.

પત્રોનું ઘેરી અસર ઇતિહાસ, સાહિત્ય, જીવન ચરિત્ર અને રાજકારણમાં જાેવા મળે છે. એક સમય સુધી પત્ર વ્યવહાર માટે પોસ્ટલ સર્વિસ સૌથી મોટું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે શરુ થયાને ૧૭૦ વર્ષ થયા. આજે ભારતીય ટપાલ દિવસ છે. જાે કે અન્ય દેશોની સરખામણીમાં પોસ્ટના આધુનિક માળખાને ભારત સુધી પહોંચતા બીજા ૧૪૨ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. સ્કોટલેન્ડમાં સન ૧૭૧૨માં જાહેર જનતા માટે પોસ્ટ સેવા શરુ થઇ ચુકી હતી. જયારે ભારતમાં સન ૧૮૫૪માં લોર્ડ ડેલહાઉસીએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તાબા હેઠળના ભારતમાં જાહેર ટપાલ સેવાનો આરંભ કરાવ્યો હતો. અંગ્રેજાેએ ભારતને આપેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમૂલ્ય ભેટમાં રેલવે, પોર્ટ, એરપોર્ટ, ટેલિફોન જેવી જાહેર વ્યવસ્થાઓમાં પોસ્ટલ સેવા પણ એક છે.

પહેલા રાજદ્વારી કામકાજમાં કે વેપાર-વાણિજ્ય માટે સંદેશા વ્યવહારનો ઉપયોગ કરવામાં આવતો હતો. સંદેશા વ્યવહાર માટે કબૂતરથી લઈને ઘોડેસવાર અને ઊંટસવારનો ઉપયોગ હજારો વર્ષોથી માણસ કરતો આવ્યો છે. કરવાં અને વણઝાર દ્વારા એક ગામથી બીજે ગામ સંદેશા પહોંચાડતા હતા. અનેક માધ્યમો દ્વારા સંદેશા વ્યવહારના પુરાવા ઈસ્વીસનના અગાઉથી મળી આવેલા છે. જયારે દુનિયાને આધુનિક પોસ્ટલ સેવાની ભેટ પોર્ટુગાલે આપી છે. પોર્ટુગાલમાં સન ૧૫૨૦માં સામાન્ય માણસ માટે પણ પોસ્ટલ સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. જે ભારત સુધી ત્રણ સદી બાદ પહોંચી હતી. ભારતીય રેલવેના મ્યુઝિયમમાં એક ટપાલ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. સાહેબગંજ રેલવે સ્ટેશનના રેલવે ઓફિસરને સન ૧૯૦૯માં એક મુસાફરની ટપાલ મળી. જેમાં લખ્યું છે કે હું રેલવેમાં મુસાફરી કરતો હતો ત્યારે સાહેબગંજ સ્ટેશન ઉપર ટ્રેન ઉભી રહી. મારી રાહ જાેજાે તેવું ગાર્ડને કહીને હું ટોઇલેટમાં ગયો. હું ટોઇલેટમાં જ હતો અને ટ્રેનની વ્હીસલ વાગી. તે સાંભળીને મેં ટ્રેન તરફ દોડ લગાવી ટ્રેન સ્ટેશન છોડવા લાગી હતી એટલે હું ઝડપથી દોડ્યો તેમાં પ્લેટફોર્મ ઉપર પડી ગયો અને લોકોએ મને કઢંગી હાલતમાં જાેયો. તમારી ટ્રેનનો ગાર્ડ એવો કેવો કે મુસાફરની રાહ જાેઈને થોડી ક્ષણો માટે ટ્રેન ઉભી પણ ન રાખે. આ પત્ર લખનાર મુસાફરનું નામ હતું ઓખીલચંદ્ર સેન. રેલવેએ આ ટપાલને મઢાવીને મ્યુઝિયમમાં એટલે મૂકી છે કે આ પત્ર મળ્યો તે બાદ ર્નિણય લેવામાં અને ભારતમાં ટ્રેનના દરેક કમ્પાર્ટમેન્ટમાં ટોયલેટની સેવા ઉભી કરવામાં આવી. ભારતની રેલવેમાં ટ્રેનમાં ટોયલેટ સેવા શરુ કરવા પાછળ પણ ટપાલનું યોગદાન છે.

ટપાલનું એક સમય ઉપર એટલું મહત્વ હતું કે ગામ કસ્બામાં કોઈના ઘરે ટપાલ આવે તો આખા ગામમાં વાત ફેલાઈ જતી. અંગત લોકોની ટપાલ આવે તેની લોકો દિવસો સુધી રાહ જાેતા. તેની ઉપરથી ધૂમકેતુની અમર વાર્તા પોસ્ટ ઓફિસમાં અલીડોસાનું પાત્ર કંડારવામાં આવ્યું હતું. જેનો અનેક ભાષાઓમાં અનુવાદ થઇ ચુક્યો છે. અનેક મહાનુભાવોના હસ્તાક્ષરમાં લખાયેલી ટપાલો આજે પણ સંગ્રહાલયની શોભા વધારી રહી છે. વિવિધ વિષયની ટપાલ ટિકિટોનો પણ અલગ અને રસપ્રદ ઇતિહાસ રહેલો છે. કેટલાક ઘરમાં પૂર્વજાેએ લખેલા પત્રોને સંતાનો આત્મીયતાથી સાચવતા જાેયા છે. વડીલોનો સ્નેહ અને શબ્દોમાંથી સુવાસ આજે પણ તે પત્રો દ્વારા સચવાયેલી રહી છે. અખબાર સુધી સમાચારો પણ ટપાલ મારફત પહોંચતા હતા. આજે પણ અખબારની કચેરીઓમાં ટપાલનું ટેબલ મોજુદ જાેવા મળે છે. હવે સંચારના માધ્યમો ઝડપી બન્યા છે જેને કારણે ટપાલનો ઉપયોગ ઘટ્યો છે. પરંતુ ટપાલનું મહત્વ સહેજ પણ ઘટ્યું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution