વડાપ્રધાન મોદીએ નેપાળના પીએમ સાથે વાતચીત કરી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ઓગ્સ્ટ 2026  |   4059

નેપાળમાં ચીન સરહદ નજીક આવેલા ઉત્તરીય વિસ્તારોમાં અચાનક આવેલા ભીષણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પાણીનું સ્તર ભયાનક રીતે વધતા ગામો, બજારો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નેપાળ સાથે સંકલન સાધીને મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂર દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત સંકટના આ સમયમાં નેપાળની પડખે ઊભું છે અને તમામ પ્રકારની માનવીય સહાય તથા રાહત સામગ્રી પૂરી પાડવા સંપૂર્ણપણે તૈયાર છે.નેપાળના પીએમઓએ આપેલી માહિતી અનુસાર, વડાપ્રધાને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મેનેજમેન્ટની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ અસરગ્રસ્ત જિલ્લાના સાંસદો સાથે ચર્ચા કરી હતી. સેના અને પોલીસ દળોને કામે લગાવીને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

 વાયુસેનાના ખાસ વિમાનો તૈયાર


રસુવાગઢીમાં ફસાયેલા ભારતીય યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોના લોકેશન પર પળેપળની નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્તો સુધી રાહત પહોંચાડવા ભારતીય વાયુસેનાના ખાસ વિમાનો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કટોકટીની દવાઓ, ફર્સ્ટ એઇડ કિટ્સ, રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટ્સ, બાળકો માટે દૂધ પાવડર, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ, કામચલાઉ તંબુ અને ધાબળા જેવી જીવનજરૂરી સામગ્રી મોકલવામાં આવી રહી છે.


પીએમ મોદીએ મોકલી તાત્કાલિક રાહત સામગ્રી


આ ભયાનક આપત્તિ વચ્ચે કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રાએ ગયેલા ૧૦૦થી વધુ ભારતીય નાગરિકો સહિત સેંકડો લોકો ત્યાં ફસાયા છે. મુશ્કેલીની આ ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળને તમામ શક્ય સહાય મોકલવાની ખાતરી આપીને ‘મોટા ભાઈ’ અને સચ્ચા પાડોશી તરીકેની પોતાની ફરજ પુન: નિભાવી છે. સાથે-સાથે તાત્કાલિક રાહત સામગ્રી મોકલાવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution