લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026 |
7524
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.