લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુલાઈ 2026 |
2673
NEET પરીક્ષામાં કથિત ગેરરીતિ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદ્યાર્થીઓ સાથે સીધી મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની ચિંતાઓને બળપ્રયોગથી નહીં પરંતુ સંવાદ દ્વારા ઉકેલવી જાેઈએ.પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવી રહેલા વિદ્યાર્થીઓ સાથે થયેલું વર્તન નિરાશાજનક છે. તેમના મત મુજબ, સરકારનો પ્રથમ પ્રયાસ વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવાનો અને તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવાનો હોવો જાેઈએ. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ભારે આર્થિક તથા માનસિક દબાણમાંથી પસાર થાય છે. ઘણા પરિવારો બાળકોના શિક્ષણ અને કોચિંગ માટે મોટી રકમ ખર્ચે છે, જ્યારે પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ જેવી ઘટનાઓ તેમના વર્ષોની મહેનતને અસર કરે છે.