એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રનાં સેંકડો કારીગરોનો કલેકટરાલય ખાતે વિરોધ પ્રદર્શન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026  |   1980

એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કારીગરો દ્વારા પોતાના હક અને કાયદેસરના લાભોની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો કાઢવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે સેંકડો કારીગરો કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કારીગરોનાં યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અઠવાડિયામાં એક દિવસ સાપ્તાહિક રજા, ગ્રેજ્યુઇટી, પીએફ સહિતનાં વિવિધ કાયદેસરના લાભો આપવાની માગ કરવામાં આવી હતી. કારીગરોનું કહેવું છે કે સરકાર દ્વારા લેબર કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો નથી અને કાયદા મુજબ મળવાપાત્ર લાભોથી તેઓ હજુ પણ વંચિત છે, અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેમની માગણીઓ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે કારીગરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારીગરોએ તાત્કાલિક તેમની માગણીઓ સ્વીકારી કાયદેસરનાં લાભો અપાવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. કારીગરોએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી તેમની માગણીઓ અંગે યોગ્ય આશ્વાસન આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરી ખાતે બેસી રહેશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution