પૂણા-કુંભારિયા રોડ ફરી બિસ્માર બનતાં ચાલુ વરસાદે રીપેરિંગ કામ હાથ ધરાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026  |   2079

સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. જેના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના અનેક રસ્તાઓ ચંદ્રની સપાટી જેવા બની ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પૂણા કુંભારિયા મેઇન રોડ પરની ઉપરોક્ત તસવીર સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા બનાવવાની કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડે છે. બીજી તરફ પાલિકા દ્વારા ચાલુ વરસાદમાં રસ્તામાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરત શહેરમાં દર વર્ષે પ્રથમ વરસાદ પડતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી જતા હોય છે. ગત વર્ષે સુરત શહેરમાં સૌથી વધુ વિસ્તારોમાં રસ્તાઓ તૂટ્યા હોવાના સામે આવ્યું હતું. જેના કારણે મનપા પર ભારે માછલાં ધોવાતા આખરે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ પાલિકા અને શાસકોના રાજમાં ભ્રષ્ટાચાર ફુલિયો ફાલ્યો હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓનો ભારે ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાઓ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે. પુણા કુંભારિયા રોડ પર સુરત થી કડોદરા તરફ જતા અને કડોદરા થી સુરત તરફ આવતા બંને તરફના રસ્તાઓ પર ખૂબ મોટી સંખ્યામાં ખાડામાં પડ્યા હોવાના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલું જ નહીં પરંતુ આ ખાડાઓના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનો પણ નિર્માણ થવા પામે છે પરંતુ તેમ છતાં પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મુખ્ય રોડ પર વાહન વ્યવહાર વધુ હોવાને કારણે પાલિકાએ ચાલુ વરસાદે રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી પરંતુ પૂરતી સફળતા મળી ન હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution