લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓક્ટોબર 2026 |
2277
દિવાળી વેકેશન નજીક આવી રહ્યું છે ત્યારે દર વર્ષની જેમ સુરતથી રત્નકલાકારો અને શ્રમિકો પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરશે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાત દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખીને રત્નકલાકારોનાં હિતમાં મહત્વની રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં હીરાઉદ્યોગ ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોવાથી, મુસાફરોને આર્થિક રાહત આપવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા યુનિયને સરકાર સમક્ષ મધ્યસ્થી કરવાની માગ કરી છે.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દિવાળી વેકેશન નિમિત્તે ચલાવવામાં આવતી એક્સ્ટ્રા એસ.ટી. બસોના ર્નિણયને યુનિયને આવકાર્યો છે અને તેનાથી રત્નકલાકારોને મોટો ફાયદો થતો હોવાનું જણાવ્યું છે. જો કે, વર્તમાન સમયમાં મંદીને કારણે રત્નકલાકારો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યાં છે. આ સ્થિતિમાં, ગરીબ અને મધ્યમ વર્ગના વધુમાં વધુ લોકો સરકારી બસ સેવાનો લાભ લઈ શકે તે માટે એક્સ્ટ્રા એસ.ટી. બસોની સંખ્યામાં વધારો કરવા અને તેના ભાડામાં ઘટાડો કરવા પત્રમાં નમ્ર વિનંતી કરાઈ છે.
પત્રમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની જોહુકમી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારોનો લાભ ઉઠાવીને ખાનગી બસ સંચાલકો ભાડામાં બેફામ લૂંટ ચલાવે છે અને બસોમાં પેસેન્જરોને ઘેટા-બકરાંની જેમ ખીચોખીચ ભરે છે. ગરીબ જનતાને પરવડે તેવા જ ભાડા નક્કી થાય તે માટે સરકારી તંત્ર કડક વલણ અપનાવે તેવી માંગ કરવામાં આવી છે.
યુનિયને સુરત શહેર પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, દર વર્ષે સ્થાનિક પોલીસને આ બાબતે કાર્યવાહી કરવા રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી. આ જ કારણે ડ્રાઇવરો દારૂનો નશો કરીને ડ્રાઇવિંગ કરતા હોવાની આશંકા રહે છે અને ઓવરલોડિંગને કારણે ટ્રાફિક નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન થાય છે. ભવિષ્યમાં કોઈ મોટી અકસ્માતની અઘટિત ઘટના ન ઘટે અને નિર્દોષ લોકો તેનો ભોગ ન બને તે માટે આ વખતે ગૃહમંત્રી કક્ષાએથી જ સીધી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પત્રનાં અંતમાં પ્રમુખ આર. ડી. ઝીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંક દ્વારા કરવામાં આવી છે.