એક જ વ્યક્તિની ૩ કંપનીઓને ફાયદો કરાવવા ટેન્ડરનાં નિયમોમાં ફેરફાર કરાયાનો ઘટસ્ફોટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026  |   1683

વલસાડ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા ભ્રષ્ટાચાર અને અનિયમિતતાનો ગઢ બની ગઈ હોય તેમ એક પછી એક ચોંકાવનારા કૌભાંડો બહાર આવી રહ્યાં છે. સરકારી નીતિ- યમો અને પારદશિર્તાના દાવાઓનો છેડ ઉડાડીને શિક્ષણ વિભાગમાં ચોક્કસ પક્ષકાર અને મળતિયાઓને ફાયદો પહોંચાડવા માટે આખી ટેન્ડર પ્રક્રિયામાં મનસ્વી છેડછાડ કરવામાં આવી હોવાનો ગંભીર વિવાદ કર્યો છે. મળતી માહિતી અનુસાર, શિક્ષણ શાખા દ્વારા ૨૬ જૂન, ૨૦૨૬નાં રોજ પ્રથમ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ, અગમ્ય કારણોસર તે ટેન્ડર રદ્દ કરી દેવાયુ હતું. ત્યારબાદ, પૂર્વાયોજિત પ્લાન હેઠળ ૧૦ જુલાઈ, ૨૦૨૬નાં રોજ નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આક્ષેપ છે કે, આ નવા ટેન્ડરમાં નિયમો અને શરતો સાથે એવી કુનેહપૂર્વક છેડછાડ કરવામાં આવી હતી, જેથી માત્ર ને માત્ર એક જ ચોક્કસ વ્યક્તિની ૩ અલગ-અલગ કંપનીઓને જ તેનો સીધો લાભ મળે. આ સ્પર્ધામાં કુલ ૧૭ કંપનીઓએ બિડિંગ કર્યું હોવા છતાં અન્ય તમામ સ્પર્ધક પેઢીઓ નિયમોને લીધે બહાર નીકળી ગઈ હતી અને માત્ર પેલી ૩ પેઢીઓ જ ટેક્નિકલી ક્વોલિફાઈ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય કંપનીઓ સાથે સંકળાયેલી મુખ્ય વ્યક્તિ જિલ્લા પંચાયતની તિજોરી શાખાના જ હિસાબી અધિકારી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નિયમોને તાબે થઈને ચાલતી આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની બૂ એટલા માટે પણ આવે છે, કારણ કે ઓનલાઇન ટેન્ડરની નિર્ધારિત સમયમર્યાદા ક્યારેયની પૂરી થઈ ગઈ હોવા છતાં, ગત ૨૬ ઓક્ટોબર સુધી આ ટેન્ડરને મંજૂરી આપવામાં જાણી જોઈને વિલંબ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય સ્પર્ધક કંપનીઓના પ્રતિનિધિઓએ આ અંગે શિક્ષણ શાખાના ટેન્ડર ક્લાર્ક અને શિક્ષણ ખાતાના હિસાબી અધિકારીનો રૂબરૂ સંપર્ક કરી ખુલાસો માંગ્યો, ત્યારે જવાબદાર અધિકારીઓએ, આ બધું ડીડીઓની સૂચના મુજબ થઈ રહ્યું છે, તેવો જવાબ આપી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતાં. વલસાડ જિલ્લાનું શિક્ષણ વિભાગ પહેલીવાર વિવાદમાં નથી આવ્યું. આ અગાઉ પણ પરીક્ષાના પ્રશ્નપત્ર છપાવવા અને રમતગમતના સાધનોની ખરીદીમાં ખૂબ જ મોટાંપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ એક જ વ્યક્તિ દ્વારા ત્રણથી વધુ અલગ-અલગ નામોથી ટેન્ડર ભરીને પોતાના મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ અપાવવાના કારસા અંગે ફરિયાદો ઉઠવા છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતાં. ત્યારે હવે આ મામલામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution