રશિયા ચૂંટણી: પુતિનની પાર્ટીએ ઇતિહાસ રચ્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, સપ્ટેમ્બર 2026  |   2079

રશિયામાં સંપન્ન થયેલી સંસદીય ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમર્થિત સત્તાધારી પક્ષ ‘યુનાઇટેડ રશિયા’એ અભૂતપૂર્વ અને પ્રચંડ વિજય હાંસલ કર્યો છે. દેશની સંસદના નીચલા ગૃહ ‘સ્ટેટ ડુમા’ની કુલ ૪૫૦ બેઠકોમાંથી પાર્ટીએ રેકોર્ડબ્રેક ૩૫૫ બેઠકો પર જીત નોંધાવીને પોતાનો રાજકીય દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે. અહેવાલ અનુસાર, સેન્ટ્રલ ઇલેક્શન કમિશને જાહેર કર્યું છે કે ૯૫% થી વધુ મતદાન મથકોની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. આ પ્રારંભિક પરિણામો મુજબ, પક્ષો માટે અનામત રખાયેલી ૨૨૫ પ્રમાણસર બેઠકોમાંથી યુનાઇટેડ રશિયાને ૫૮%થી સહેજ ઓછી બેઠકો મળી છે. જ્યારે બાકીની ૨૨૫ સિંગલ-બેલેટ (પ્રત્યક્ષ ઉમેદવારી વાળી) બેઠકોમાં પાર્ટીના ઉમેદવારો ૨૦૮ બેઠકો પર નિર્ણાયક સરસાઈ સાથે વિજયી બન્યા છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના વડાં એલા પેમ્ફિલોવાએ સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ રશિયા પાર્ટી ૪૫૦માંથી ૩૫૫ બેઠકો જીતી રહી છે, જે પક્ષના સંસદીય ઇતિહાસનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ ૨૦૨૧ ની સંસદીય ચૂંટણીમાં આ પક્ષે ૩૨૪ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન સાથે સૈન્ય સંઘર્ષ શરૂ થયા પછી રશિયામાં યોજાયેલી આ સૌપ્રથમ સંસદીય ચૂંટણી છે. રાષ્ટ્રપતિ પુતિને સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન આ જનાદેશને યુક્રેન મોરચે લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થન અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે રજૂ કર્યો હતો. સમગ્ર દેશમાં કુલ ૫૬.૬૬% મતદાન નોંધાયું હતું, જેમાં રાજધાની મોસ્કોમાં ઐતિહાસિક મતદાન થયું હતું. આ ચૂંટણી પ્રક્રિયા વિવાદોથી મુક્ત રહી નહોતી. યુદ્ધ વિરોધી વલણ ધરાવતા મુખ્ય પક્ષ ‘યાબ્લોકો’ને સમગ્ર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જાેકે પક્ષના કેટલાક નેતાઓને વ્યક્તિગત ધોરણે અમુક બેઠકો પર લડવાની છૂટ અપાઈ હતી. આ સિવાય સરકાર વિરોધી અનેક અગ્રણી નેતાઓ તથા અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી પણ વિવિધ કારણોસર રદ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઔપચારિક રીતે યુનાઇટેડ રશિયા પક્ષના પ્રાથમિક સભ્ય નથી. પક્ષના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ બનવા માટે સભ્યપદ હોવું ફરજિયાત નથી. પુતિને ૨૦૦૮ થી ૨૦૧૨ દરમિયાન પાર્ટીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ તે સમયે પણ તેઓ સામાન્ય સભ્ય નહોતા. ૨૦૧૨ માં તેમણે આ પદ છોડ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે પાર્ટી અધ્યક્ષની કમાન સંભાળી હતી. ચૂંટણીનો અંતિમ દિવસ ભારે સુરક્ષા તણાવ વચ્ચે પસાર થયો હતો. રવિવારે રશિયાના સંસદીય મતદાનના આખરી દિવસે યુક્રેન તરફથી મોસ્કો અને તેની આસપાસના વિસ્તારોમાં ૧,૬૦૦ થી વધુ ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હોવાના અહેવાલ હતા. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને દાવો કર્યો હતો કે માત્ર રાજધાની મોસ્કોને નિશાન બનાવીને ૪૫૦ જેટલા ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેને રશિયન એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution