લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
1881
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામીણ અર્થતંત્રની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા પશુપાલકોને મોટો આર્થિક ઝટકો આપવામાં આવ્યો છે. પશુઓ માટેના મુખ્ય અને ગુણવત્તાસભર આહાર એવા ‘સાબરદાણ’ના ભાવમાં અચાનક ધરખમ વધારો ઝીંકી દેવાતાં બંને જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.
ડેરી વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલા નવા ભાવ માળખા અનુસાર: ૭૦ કિલોની બેગ: ૨૨૦ નો સીધો વધારો કરાતાં પશુપાલકોએ હવે પ્રતિ બેગ વધુ રકમ ચૂકવવી પડશે. ૫૦ કિલોની બેગ: ૧૩૫ નો વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોમાં ભારે અસંતોષ અને ચિંતા ચોમાસાની ઋતુ અને સતત વધતા જતા દૈનિક નિભાવ ખર્ચ વચ્ચે અચાનક દાણના ભાવ વધવાથી પશુપાલનનો વ્યવસાય હવે અપોષણક્ષમ બની રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.
સ્થાનિક દૂધ ઉત્પાદકોના જણાવ્યા મુજબ, કાચા માલના ઊંચા ભાવ અને ઈંધણ-ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચનું બહાનુ ધરીને ડેરી તંત્ર દ્વારા ભાવવધારો ઝીંકી દેવાયો છે. એક તરફ લીલા ઘાસચારાની અછત અને બીજી તરફ દાણના ભાવમાં થયેલા આ વધારાથી પશુપાલકોને ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરદાણના ભાવમાં વધારો થતાં જ દૂધ મંડળીઓ અને પશુપાલકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. જાે ડેરી તંત્ર પશુ આહાર મોંઘો કરતું હોય, તો તેની સામે પશુપાલકો પાસેથી ખરીદાતા દૂધના કિલો ફેટના ભાવમાં પણ તાત્કાલિક ધોરણે યોગ્ય વધારો કરવામાં આવે તેવી પ્રબળ માંગણી પશુપાલકો કરી રહ્યા છે. આગામી દિવસોમાં જાે આ ર્નિણય પાછો ખેંચવામાં નહીં આવે કે દૂધના ભાવ નહીં વધારાવામાં આવે તો પશુપાલકો દ્વારા ડેરી સમક્ષ રજૂઆત કરવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.