લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026 |
1782
સુરત મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલમાં નાગરિકોની સુરક્ષા માટે પૂરતા ઇન્સ્ટ્રક્ટરોની વ્યવસ્થા કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોવાનું વધુ એક વાર પુરવાર થઈ રહ્યું છે. આજે વરાછા મીની બજાર સ્થિત સ્વિમિંગ પૂલમાં ૩૨ વર્ષીય સોફ્ટવેર ડેવલપરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાએ મનપાના સ્વિમિંગ પૂલમાં સુરક્ષાની વ્યવસ્થા અને ઇન્સ્ટ્રક્ટરોની અછતની પોલ ખોલી નાખી છે. એક તરફ પાલિકા નાગરિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવાના દાવા કરે છે, તો બીજી તરફ લોકોના જીવની સુરક્ષા માટે જરૂરી માનવબળની વ્યવસ્થા કરવામાં પણ તંત્ર ઉણું ઊતરે તો જવાબદારી કોની? તેવો સવાલ ઊઠ્યો છે. ઘટનામાં પરિવારજનોએ જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ પર મનુભાઈ ડાહ્યા હવેલી પાસે આવેલી ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય વિમલ રૂખડભાઈ કાતરીયા લાલ દરવાજા ખાતે આવેલી આઈટી કંપનીમાં સોફ્ટવેર ડેવલપર તરીકે નોકરી કરતા હતા. તેઓ છેલ્લા ચાર મહિનાથી મીની બજાર સ્થિત મનપાના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવા જતા હતા. શરૂઆતના ત્રણ મહિના તાલીમ લીધા બાદ તા. ૧ ઓક્ટોબરથી તેઓ જાતે સ્વિમિંગ કરતા હતા. આજે સવારે ૬:૧૫ વાગ્યાના બેચમાં સ્વિમિંગ કરવા પહોંચેલા વિમલભાઈ અચાનક પૂલમાં બેભાન થઈને ડૂબી ગયા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વિમાલના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ ઘટનામાં સૌથી ગંભીર બાબત ઇન્સ્ટ્રક્ટરોની અછતની સામે આવી છે. સ્વિમિંગ પૂલના સીનિયર ઇન્સ્ટ્રક્ટર કમલકર મોરેનાં જણાવ્યા અનુસાર, વરાછા, મીનીબજારનાં પૂલમાં અલગ-અલગ બેચ ઉપરાંત બાળકોનો બેચ પણ ચાલે છે. આ માટે ઓછામાં ઓછા સાત ઇન્સ્ટ્રક્ટરોની જરૂરિયાત છે, પરંતુ હાલમાં માત્ર ચાર ઇન્સ્ટ્રક્ટરોથી કામગીરી ચલાવવામાં આવે છે. દુર્ઘટના બની ત્યારે બે ઇન્સ્ટ્રક્ટરો રજા પર હોવાથી માત્ર બે જ ઇન્સ્ટ્રક્ટરો હાજર હતા. સવાલ એ છે કે જ્યારે પાલિકા તંત્રને ઇન્સ્ટ્રક્ટરોની અછતની જાણ હતી ત્યારે રજાનાં દિવસે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવવાની વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરવામાં આવી?