વેસુ વીઆઈપી રોડ પર પાણીમાં બેસીને લોકોએ મનપાનાં ભ્રષ્ટ વહિવટ સામે સૂત્રોચ્ચાર પોકાર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   1980

સુરત શહેરમાં ચોમાસાનાં પ્રથમ સામાન્ય વરસાદે જ સુરત મહાનગર પાલિકાનાં પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે. ચોમાસા પહેલાં લાખો રૂપિયાની સફાઈ, ડ્રેનેજ અને વરસાદી પાણીનાં નિકાલની કામગીરીના દાવા કરનાર પાલિકા માત્ર બે ઇંચ વરસાદ સામે જ બેહાલ બની ગઈ છે. શહેરના પોશ વિસ્તારોથી લઈને શ્રમિક વિસ્તારો સુધી રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી ટેક્સના નામે કરોડો રૂપિયા વસૂલતી પાલિકા સામાન્ય વરસાદમાં પણ અસરકારક વ્યવસ્થા ઉભી કરી શકી નથી તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે.

શહેરમાં માત્ર બે ઇંચ વરસાદમાં સૌથી ગંભીર સ્થિતિ વેસુના વીઆઈપી રોડ પર જોવા મળી હતી. સંગિની ઇવોક બિલ્ડિંગ નજીક રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો પાણીમાં બેસી વિરોધ નોંધાવવા મજબૂર બન્યા હતા. "હાય રે એસએમસી, હાય હાય" અને "ભ્રષ્ટ વહીવટ બંધ કરો" જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોએ પાલિકા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક રહીશ વિષ્ણુ પટેલના જણાવ્યા મુજબ અહીં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે, છતાં ગટર અને ડ્રેનેજ લાઈનની યોગ્ય સફાઈ કે કાયમી ઉકેલ માટે કોઈ કાર્યવાહી થતી નથી. અડધો કે બે ઇંચ વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તાર જળબંબોળ બની જાય છે. વેસુના ઓપેરા બિઝનેસ હાઉસ સહિતના કોમશિર્યલ વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓનો વેપાર ખોરવાઈ ગયો હતો. વેપારીઓએ સવાલ ઉઠાવ્યો કે દર વર્ષે પ્રીમોન્સૂન કામગીરીનાં નામે કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, પરંતુ જો પ્રથમ વરસાદમાં જ દુકાનો સુધી પાણી પહોંચી જાય તો લાખો રૂપિયાનાં માલસામાનનાં નુકસાનની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. પરિસ્થિતિ માત્ર પશ્ચિમ ઝોન પૂરતી મર્યાદિત રહી નથી. ઉધના, ડિંડોલી અને લીંબાયત જેવા વિસ્તારોમાં પણ રસ્તાઓ, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. ગંદા પાણી બેક મારવાની ફરિયાદો વચ્ચે નોકરી-ધંધે જતા હજારો લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

અલથાણનાં લક્ષ્મી હોમ્સમાં વરસાદી પાણીમાં ફસાયેલા ૧૦ લોકોનું રેસ્ક્યૂ

સુરત શહેરમાં ખાડીપુર બાદ શહેરના મોટાભાગનાં વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતી હોવાના બનાવો વધી રહ્યા છે. જેના કારણે સુરત શહેરમાં પડતા માત્ર એક થી બે ઇંચ વરસાદમાં પણ દોઢથી બે ફૂટ જેટલા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ગઈકાલે પણ શહેરના પડેલા માત્ર દોઢથી બે ઇંચ વરસાદમાં વેસુ, ઉધના, પાંડેસરા, ભેસ્તાન સહિતનાં વિસ્તારોમાં દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હોવાના અનેક ફરિયાદો પાલિકાને મળી હતી. આજે પણ સવારે પડેલા માત્ર દોઢથી બે ઇંચ વરસાદમાં શહેરના ઉધના, ભેસ્તાન, પાંડેસરા, અલથાણ અને વેસુ સહિતનાં વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો મળી હતી. આ દરમિયાન અલથાણ બ્રિજ ખાતે આવેલ સેન્ટોસા હાઈટ્સ પાસે લક્ષ્મી હોમ્સમાં મહેમાન બનીને આવેલા ૧૦ જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. જેથી ફાયર બ્રિગેડ વિભાગને આ બાબતે જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તમામ લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાં પડતા માત્ર દોઢથી બે ઇંચ વરસાદમાં પણ જો ફાયર બ્રિગેડ વિભાગની ટીમે લોકોને રેસ્ક્યૂ કરી બચાવવાની કામગીરી કરવી પડે તો તે સુરત મહાનગરપાલિકા અને તેના અધિકારીઓ માટે અત્યંત શરમજનક બાબત બની ચૂકી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution