/
રાજકોટના જીવરાજ પાર્કમાં ગેરકાયદે ચાલતા બાંધકામ વેળા સ્લેબ ધરાશાયી  બે મજૂરના મોત

રાજકોટ, રાજકોટના નાનામવા રોડ પર આવેલા જીવરાજપાર્કમાં મહાદેવ મંદિર પાસે એક બિલ્ડીંગનું રિનોવેશન ચાલી રહ્યું છે. દરમિયાન ગુરૂવારના રોજ અચાનક ચોથા માળનો સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાઇ ગયા હતા. જાેકે, શિવાનંદ અને રાજુને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સુરજકુમારને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાંચ દિવસ પહેલા જ મહાનગરપાલિકા સત્તાધીશોએ ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પણ ફટકારી હતી. મહાનગરપાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ આપીને ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવ્યું હતું. તેમ છતાં નોટિસની ઐસીતૈસી કરી ફરી બાંધકામ શરૂ કરવામાં આવતા ગોઝારી દુર્ઘટના થઇ હતી. જાેકે દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તત્કાળ દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ તરત જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જાેકે, ફાયર બ્રિગેડના જવાનો રાહત બચાવ કામગીરી દરમિયાન એક જ શ્રમિકને બચાવી શક્યા હતા. જ્યારે સ્લેબના કાટમાલ નીચે દબાઇ ગયેલા બે શ્રમિકોના મૃતદેહ હાથ લાગ્યા હતા. પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. જ્યારે બે શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. મૃતક રાજુ સાગઠિયાના પરિવારજને જણાવ્યું હતું કે, રાજુભાઇ છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. જીવરાજપાર્કમાં અંબિકા ટાઉનશીપમાં બિલ્ડીંગનું રિનોવેશન ચાલી રહ્યું છે. ચોથા માળે સ્લેબ ખોલતા હતા અને સ્લેબ માથે પડ્યો હતો. આથી તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું છે. ધોરાજી નજીકનાં ભોળા ગામે લેઉવા પટેલ સમાજની બે માળની ઇમારત ગત રાત્રિના ધડાકાભેર તૂટી પડી હતી. જાેકે, સદનસીબે જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત રાત્રે ૧૧ વાગ્યે બાળાઓ નવરાત્રિની પ્રેકિટીસ પૂર્ણ કરીને નીકળી અને રાત્રે ત્રણ વાગ્યે બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ હતી અને બાજુમા આવેલા રહેણાંક મકાનની દીવાલને પણ નુકસાન થયું હતું. ધોરાજી તાલુકાના ભોળાગામે આવેલ લેઉવા પટેલ સમાજની બિલ્ડીંગ ખાતે બાળાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહી હતી. ત્યારે આ સમાજની વાડીમાં ૭૦થી પણ વધુ વ્યકિતઓ હાજર હતી. રાત્રે ૧૧ વાગ્યે બાળાઓ નવરાત્રિની પ્રેક્ટિસ પૂર્ણ કરીને નીકળી હતી અને અને રાત્રે ત્રણ વાગ્યે લેઉવા પટેલ સમાજની બે માળની વિશાળ ઇમારત એકાએક ધડાકાભેર તૂટી પડી હતી. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution