લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026 |
5148
ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.