જાેધપુરમાં ફ્લેટના ભોંયરામાંથી રૂા.૨.૨૫ લાખનો નકલી એન્જિન ઓઇલનો જથ્થો જપ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026  |   3168

શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જાેધપુર ગામ ખાતે એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી નામચીન કંપનીઓના નામે બોગસ અને ડુપ્લિકેટ એન્જિન ઓઇલ વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ૭૩ વર્ષીય વૃદ્ધ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ ભંગ હેઠળ ગુનો નોંધી રૂ. ૨.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી વિગતો મુજબ, ‘સ્પીડ સર્ચ એન્ડ સિક્યોરીટી નેટવર્ક’ કંપનીમાં નોકરી કરતા અને રાણીપ ખાતે રહેતા નીતીનભાઈ ભીખાભાઈ પટેલે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેઓ હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિ. સહિતની ઓઇલ કંપનીઓ માટે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક ભંગ અંગે તપાસ કરવાની સત્તા ધરાવે છે. તાજેતરમાં તેમને બાતમી મળી હતી કે, જાેધપુર ગામમાં શ્રદ્ધા હાઇસ્કૂલ સામે આવેલા ફ્લોરીશ-૪૧ એપાર્ટમેન્ટના બેઝમેન્ટ (ભોંયરા) માં ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ ઓઇલનો સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ બાતમીના આધારે નીતીનભાઈ પટેલે આનંદનગર પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખીને ફ્લોરીશ-૪૧ એપાર્ટમેન્ટના બેઝમેન્ટ પાર્કિંગમાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં હાજર રહેલા દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ નાગર (ઉં.વ. ૭૩, રહે. ફ્લેટ નં. ૧૦૦૨, ફ્લોરીશ-૪૧) પાસે હોન્ડા, કાસ્ટ્રોલ, સર્વો, વિડોલ, એચપી, બજાજ, હીરો અને મેક લ્યુબ્રિકન્ટ્સ જેવી પ્રખ્યાત કંપનીઓના ટ્રેડમાર્ક ધરાવતી બોગસ ઓઇલની બોટલો મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી હોન્ડા એન્જિન ઓઇલની ૬૦ બોટલ, કાસ્ટ્રોલ એક્ટિવની ૧૨૦ બોટલ, હીરો જેન્યુઇનની ૧૬૦ બોટલ તથા અન્ય બ્રાન્ડ્સ મળીને કુલ ૪૬૦ સીલબંધ પ્લાસ્ટિકની બોટલો કબજે કરી હતી, જેની કુલ કિંમત રૂ. ૨,૨૫,૭૪૫ થાય છે. આરોપી દેવેન્દ્રભાઈ નાગર પાસે આ ઓઇલની ખરીદી કે વેચાણના કોઈ બિલ કે લાયસન્સ ન હોવાથી પોલીસે તમામ જથ્થો પંચનામું કરી કબ્જે કર્યો છે. આનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય. આર. ચાંદુએ કોપીરાઇટ એક્ટની કલમ ૫૧ અને ૬૩ હેઠળ કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution